જેતપુર
ઔદ્યોગિક શહેર જેતપુરમાં કોમર્શિયલ કોમ્પ્લેક્ષ તેમજ રેસિડેન્ટ ટેનામેન્ટ, એપાર્ટમેન્ટના બાંધકામ બિલાડીની ટોપની જેમ ઠેર ઠેર બાંધકામની મંજૂરી વગર બની ગયા છે. તેમાંય વળી જ્યારથી બાંધકામની મંજૂરી ઓનલાઈન થઈ ગઇ છે ત્યારથી તો પાલિકા તંત્ર જ અમોને બાંધકામની મંજૂરી મળી ગઈ છે કે નહીં તેની જાણ નથી તેવા બહાના કરી આવા બિલ્ડર માફિયાઓને રીતસરના છાવરી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે પાલિકાના વિપક્ષી નેતા શારદા વેગડાએ એવો આક્ષેપ કર્યો છે કે પાલિકા કચેરીની સામે જ છેલ્લા બે વર્ષથી આકાર લઇ રહ્યું છે. હવે મોટા ભાગનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે તેવું પાલિકાના ઉપપ્રમુખ રાજુભાઇ ઉસદડીયાનું કોમર્શિયલ કોમ્પલેક્સ મંજૂરી વગર જ ખડકી દેવામાં આવ્યું છે. વર્તમાનમાં ઉપપ્રમુખનો હોદ્દો ધરાવતા રાજુભાઇ ભૂતકાળમાં કારોબારી ચેરમેન તેમજ ટાઉન પ્લાનીંગ કમિટીના સભ્ય રહી ચૂકયા છે એટલે કે તેઓ બાંધકામનો કાયદો જાણતા હોવા છતાં હોદાના દુરુપયોગ કરી મંજૂરી વગર બાંધકામ કર્યું હોવાથી આ બાંધકામ તાત્કાલિક દૂર કરી તેઓને સભ્યપદેથી ગેરલાયક ઠેરવવાની માંગણી તેમણે કરી છે. વિરોધપક્ષના નેતાની ફરિયાદના પગલે ચીફ ઓફિસર અશ્વિન ગઢવીએ નોટિસ ફટકારી છે કે સીજીડીસીઆર-૨૦૧૭ની જાેગવાઈ મુજબ નગરપાલિકાના હદ વિસ્તારમાં બાંધકામ શરૂ કર્યા પૂર્વે બાંધકામની મંજૂરી લેવી આવશ્યક છે. પરંતુ પાલિકાના ઉપપ્રમુખે બાંધકામની મંજૂરી વગર બાંધકામ કરી લીધેલ હોવાથી મંજૂરી વગર શું કામ બાંધકામ કર્યું તેનો સાત દિવસમાં ખુલાસો કરવો.જેતપુર ભાજપ શાસિત નગરપાલિકાના ઉપપ્રમુખ દ્વારા પાલિકા કચેરીની સામે જ બે માળનું કોમર્શિયલ કોમ્પ્લેક્ષ બાંધકામની મંજૂરી વગર ખડકી દીધાની પાલિકાના વિરોધપક્ષના નેતાએ ફરિયાદ કરતાં મંજૂરી વગરના બાંધકામનો સાત દિવસમાં ખુલાસો કરવા પાલિકાએ ઉપપ્રમુખને નોટીસ ફટકારતાં આ મુદે રાજકારણ ગરમાયું છે.