સુરેન્દ્રનગર
ચોટીલાના માંડવ વનમાં આવેલા આ ઝરીયા મહાદેવ શિવાલયની મુખ્ય વિશેષતા એ છે કે, કુદરત રચિત બનેલી ગુફાઓમાં શિવલિંગની સ્થાપના થઇ છે અને આ ગુફાઓની ચોતરફની દિવાલોમાંથી બારેય માસ અને ચોવીસ કલાક સતત ટોપરાના મીઠા પાણી જેવા જળનો અભિષેક આપોઆપ આ શિવલિંગ ઉપર થતો રહે છે. ગુફાની દિવાલોમાંથી શિવલિંગ ઉપર થતાં જળના અભિષેકનું રહસ્ય હજુ સુધી કોઇ સમજી શક્યું નથી. આ પાણીનુ મૂળ સ્ત્રોત ક્યાં છે ? અને પાણી ગુફાઓની દિવાલોમાંથી કઇ જગ્યાએથી આવે છે ? તે હજુ સુધી કોઇ જ જાણી શક્યું નથી. આ ઝરીયા મહાદેવના ગુફામાં આવેલા શિવાલય સામે એક બીજી ગુફા છે. આ અંધારી ગુફામાં મહાકાળી માતાજીની મૂર્તિની સ્થાપના થઇ છે. શ્રાવણ માસમાં અસંખ્ય લોકો અહીં આવે છે. સૌરાષ્ટ્રના શહેરોના પર્યટકો અને છેક અમદાવાદ બાજુથી પણ શિવભકતો, શાળાઓના વિદ્યાર્થીઓ રમણીય સ્થળે આવતાં હોય છે. ચોટીલા તાલુકાના અનેક પ્રાચિન રમણીય સ્થળોમાં આ ઝરીયા મહાદેવનું મંદિર પણ આગવું જ મહત્વ ધરાવે છે. ચોતરફ લીલોતરી અને કુદરતે છુટા હાથે વેરેલા સૌંદર્ય જાેઇને જ પર્યટકો પણ ખુશખુશાલ બની જાય છે. મહાદેવ એકાંત પ્રિય છે. ભોળાનાથ હમેશા સ્મશાન કે વેરાન જગ્યાએ ધ્યાન મગ્ન રહેવાનું પસંદ કરે છે. આવી જ એક માંડવ વનમાં જગ્યા કે જ્યાં થાય છે સ્વયંભૂ શિવલિંગ પર બારેમાસ અવિરત જળાભિષેક. ચોટીલાથી આશરે ૧૫ કિમી દૂર થાનગઢ રોડ પર આવેલું ઝરીયા મહાદેવ મંદિર એટલે પ્રભુ અને પ્રકૃતિનું રમણીય સંગમ. ચોટીલાથી આશરે ૧૫ કિમી દૂર થાનગઢ રોડ પર માંડવ વનમાં પૌરાણિક સ્વયંભૂ ઝરીયા મહાદેવનું મંદિર આવેલું છે. સુરેન્દ્રનગરથી અંદાજે ૬૮ કિમી દૂર આ અલૌકિક મંદિર આવેલું છે. અહીં બારેમાસ શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે અને એમાંય ખાસ શ્રાવણ મહિનામાં તો ભક્તોનો મેળાવડો જામે છે. દૂર-દૂરથી ભાવિકો અહીં ભોળાનાથના દર્શનાર્થે આવે છે. આ મંદિરમાં બારેમાસ પથ્થરની એક શીલામાંથી અવિરત પાણી ઝરતું હોવાથી આ રમણીય મંદિરનું નામ ઝરીયા મહાદેવ પડ્યું હોવાનું મનાય છે. વર્ષોથી દર્શને આવતા ભક્તોને પણ ખ્યાલ નથી કે, આ મંદિરનો ઇતિહાસ કેટલો જૂનો છે. કેટલાક વડીલોનું એવું માનવું છે કે, આ ભૂમિ પાંચાળ ભૂમિ છે. બારવર્ષના અજ્ઞાતવાસ દરમિયાન પાંડવોએ અહીંની પાવન ભૂમિ પર વસવાટ કર્યો હતો. એટલે પાંડવોના સમયનું આ મંદિર છે, તેવું પણ માનવામાં આવે છે. કહેવાય છે કે, પાંડવો અહીં સ્વયંભૂ મહાદેવની પૂજા કરતા હતા. પ્રભુ અને પ્રકૃતિનો અલૌકિક સંગમ એટલે ઝરીયા મહાદેવ. આ મંદિરની આસપાસનો વિસ્તાર વેરાન વગડા સમો. માત્ર ચોમાસામાં જ અહીં લીલોતરી જાેવા મળે છે છતાં ચટ્ટાનમાંથી બારેમાસ અવિરત પાણી ટપકતું રહે છે. વિજ્ઞાન પણ આજદિન સુધી આ રહસ્યનો તાગ મેળવી શક્યું નથી. વગડાની નિરવ શાંતિમાં અહીં પક્ષીઓનો મધુર કલરવ સંભળાય છે. પક્ષીઓના કલરવથી સુમસાન વગડાનું વાતાવરણ પણ પ્રફુલ્લિત બની જાય છે. શ્રાવણ માસમાં અને ખાસ કરીને શ્રાવણીયા સોમવારે અહીં મેળો ભરાય છે. દૂર દૂરથી લોકો મહાદેવના દર્શન અને મેળો માણવા આવે છે. તો કેટલાક પ્રકૃતિ પ્રેમીઓ અહીં વન ભોજનનો પણ આનંદ લે છે. અહીં પથ્થરની ઉપર પથ્થર મુકવાની એક અનોખી માન્યતા પણ છે. અહીં આવતા દર્શનાર્થીઓ એવું માને છે કે, એમ કરવાથી ભવિષ્યમાં પોતાનું ઘર બને છે. મંદિરના ગર્ભગૃહમાં પથ્થરની એક મોટી શીલા નીચે સ્વયંભૂ મહાદેવ બિરાજમાન છે. શીલામાંથી ટપકતું પાણી આગળના એક કુંડમાં જમા થાય છે. જેને ભાવિકો પ્રસાદ તરીકે પીવે છે. ગુફામાં પ્રવેશતાની સાથે જાણે ઠંડુ બરફ જેવું વાતાવરણ અનુભવાય છે. કાળે ઉનાળે પણ એવી જ ઠંડક હોય છે અને શિવલિંગ પર પણ મેઘવર્ષાની જેમ પાણી ટપકતું રહે છે. ગુફાને અડીને વર્ષો જૂનો વડલો પણ છે. આ શિવલિંગનો પ્રાગટ્ય કેટલો પુરાણો છે તેનો હજુ સુધી કોઈ પાસે તાગ નથી. વેરાન વગડામાં પણ દરરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શન માટે આવે છે. પ્રકૃતિ ,ભક્તિ અને આસ્થાના આ ત્રિવેણી સંગમ એવા સ્વયંભૂ ઝરીયા મહાદેવના એકવાર અચૂક દર્શનો લ્હાવો લેવા જેવો છે.ચોટીલા પંથકની ભૂમિ એટલે સંત, શુરાની પવિત્ર ભૂમિ, ચોટીલા પંચાળ તરીકે પ્રખ્યાત છે. એક કથા મુજબ દ્રૌપદીનો સ્વયંવર આ પંચાળ ભૂમિમાં થયો હતો. ચોટીલા પંથકમાં અનેક પ્રાચિન મંદિરો, તળાવો, શિવાલયો અને ગુફાઓ આવેલાં છે. તે દરેક ધાર્મિક અને પૌરાણિક સ્થાન પાછળ એક ઇતિહાસ છે. આવુ જ એક પ્રાચિન શિવાલય છે ઝરીયા મહાદેવ.
