જામનગર
કેન્દ્ર સરકાર દ્વારા પુરસ્કૃત ૧૦૯૮ જામનગર ચાઈલ્ડલાઈન ૧૮ વર્ષથી નાની ઉંમરના બાળકોના અધિકારો અને હિતોના રક્ષણ માટે છેલ્લા ૮ વર્ષથી જામનગરમાં જિલ્લામાં સ્વ.જે.વી.નારીયા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અંતર્ગત જમનભાઈ સોજીત્રાના માર્ગદર્શન હેઠળ કાર્યરત છે. જેના દ્વારા બાળકોના અધિકારો અને હિતોના રક્ષણ સાથે બાળકોના ડેવલોપમેન્ટ માટે ઝુંપડપટ્ટી સહિતના વિસ્તારોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આવા જ એક વુલનમિલના વાડી વિસ્તારની ઝુંપડપટ્ટીમાં બાળકો માટે ગૂડટચ-બેડટચ થીમ પર ચાઈલ્ડ લાઇન દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.’જામનગરની ૧૦૯૮ની ટીમ દ્વારા કલરફૂલ ચિત્રોના કાર્ડ બનાવી આ કાર્ડના માધ્યમથી ઝુંપડપટ્ટીના બાળકોને ગુડ ટચ-બેડ ટચ વિશે માહિતી આપવામાં આવી હતી. ચિત્રોમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ વ્યક્તિ બાળકોને ખરાબ સ્પર્શ કરે તો બાળકોએ શું કરવું જાેઈએ અને આ બાબતેની જાણ કોને કરી શકાય તે બાબતે પણ બાળકોને વિસ્તૃત સમજ આપવામાં આવી હતી આ કાર્યક્રમનું આયોજન કરવા પાછળનો મુખ્ય હેતુ બાળકોમાં સારા અને ખરાબ સ્પર્શની સમજ કેળવવાનો હતો કે જેથી બાળકો તેમની સાથે કોણ વ્યક્તિ કેવો સ્પર્શ કરે છે તે જાતે સમજી શકે અને જાે વ્યક્તિ બાળકોની અણસમજ લાભ લઈ ખરાબ સ્પર્શ કરવાનો પ્રયત્ન કરે તો તેનો વિરોધ કરી શકે. આ વિશેષ કાર્યક્રમમાં કુલ ૭૦ બાળકો તથા ૪૦ લોકોએ સહભાગી થઈ જાગૃતિ કેળવી હતી. સમાજમાં મહિલાઓ, કિશોરીઓ તથા નાના બાળકો સાથે દુરવ્યવહાર થવાની ઘટનાઓ વધતી જાય છે. જ્યારે બાળકોને અમુક ઉમર સુધી સારા કે ખરાબ સ્પર્શની સમજ હોતી નથી. બાળકો તેની સાથે અન્ય વ્યક્તિ દ્વારા સારો કે ખરાબ સ્પર્શ કરવામાં આવે છે એ સમજી શકતા નથી અને આ અણસમજુ બાળકો ક્યારેક વિકૃત વિચારધારા ધરાવતા વ્યક્તિઓનો ભોગ બની જતા હોય છે. આવી સ્થિતિમાં કોઈ પણ બાળકો પોતાની અણસમજના કારણે કોઈ ખરાબ વ્યક્તિનો ભોગ ન બને અને બાળકો સારા અને ખરાબ સ્પર્શને જાતે જ સમજતા શીખે એવા હેતુથી ગુડ ટચ અને બેડ ટચ શું છે તે સરળતાથી બાળકો સમજી શકે એ માટે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.


