ડીસા
બનાસકાંઠા જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીને લઇ સરહદી રેન્જ આઈ જી અને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાની સૂચનાથી પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરી ગેરકાયદેસર પ્રવુતિઓને અટકાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યો છે. ત્યારે ડીસા તાલુકા પોલીસની ટીમને બાતમીના આધારે ડીસાના સમૌ નાના ગામે રેડ કરી એક મકાનમાં બનાવેલા ભોંયરામાંથી દારૂનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ડીસા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, ડીસા તાલુકાના સમૌ નાના ગામે રહેતા ભરતસિંહ જાદવ તથા ચીન્ટુસીંહ ઉર્ફે દિલીપસિંહ જાદવે પોતાના રહેણાંક મકાનમાં તથા ગામના ગૌચરમાં વીદેશી દારૂનો સંગ્રહ કર્યો છે. જેથી પોલીસે રેડ કરતાં આરોપીઓના રહેણાંક મકાનમાં બેડરૂમમાં બનાવેલ ગુપ્ત ભોયરામાંથી દારૂની નાની-મોટી ૪૧૬૯ બોટલ, જુદી જુદી ગાડીઓની નંબર પ્લેટ, આરસી બુક સહિત કુલ ૬.૧૭ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે ફરાર બંને આરોપીઓ સામે ગુનો નોંધી ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


