આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓમાં 75 અમૃત સરોવરના નવનિર્માણ – નવીનીકરણ કરવાની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની નેમ ને સાકાર કરવા માટે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં અંદાજે કુલ ૨૭૬૭ સ્થળોની અમૃત સરોવર તરીકે પસંદગી કરવામાં આવી છે. જે અંતર્ગત જામનગર જિલ્લાના વરણા ગામે રૂ.૧૯.૬૦ લાખના ખર્ચે અમૃત સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીશ્રી રાધવજીભાઇ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મંત્રીશ્રી એ ઉપસ્થિત ગ્રામજનોને વરણા ગામે અમૃત સરોવરનું નિર્માણ થવા બદલ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને મદદરૂપ થવા માટે અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે અમૃત સરોવરના નિર્માણ થકી સંગ્રહ થયેલા વરસાદી પાણીનો ખેડૂતો સિંચાઈ માટે ઉપયોગ કરી શકશે. તેમજ સરોવરની ફરતે બ્યુટીફિકેશન, વૃક્ષારોપણ, સહેલાણીઓને બેસવા માટેની વ્યવસ્થા પણ ઊભી થવાથી પર્યટનના સ્થળ તરીકે પણ ગામનો વિકાસ થશે. દરેક ગામમાં તળાવ બનાવવામાં આવે તો તેના થકી જળસ્તરમાં વધારો થશે અને પાણીનો પણ વ્યય નહી થાય. સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવેલ આ કામગીરીની પણ મંત્રીશ્રી એ પ્રસંશા કરી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનિયારા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શ્રી ભરતભાઈ બોરસદિયા, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી લગ્ધિરસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી કમલેશભાઈ ધમસાણીયા, સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી ખાંટ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી હસમુખભાઈ ફાચરા, તાલુકા પંચાયતના સદસ્યોશ્રી, માર્કેટિંગ યાર્ડનાં ડાયરેકટર શ્રી દયાળજીભાઇ પટેલ, સરપંચશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં

