સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ રીતે ખનીજ ચોરી થતી હોવાની ફરિયાદો ઉઠી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના પેટાળમાં ખનીજતત્વો મળી આવી રહ્યા છે. ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાંથી રેતી અને મૂળી તથા થાન પંથકમાંથી કોલસો મળી આવે છે. તેવી જ રીતે ધાંગધ્રા પંથકમાંથી સફેદ માટી મળી આવે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કુદરતી ખનીજનો અખૂટ ભંડાર રહેલો છે. પરંતુ ખનીજ માફિયાઓ દ્વારા કુદરતી ખનીજને ચોરી અને કરોડો રૂપિયાની આવક કરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં આઠ પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે. ઓફીસરની વિગત અનુસાર જાહેર હિતમાં તમામની બદલી કરવામાં આવી છે. જિલ્લાના થાન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અલગ-અલગ પોલીસ કર્મીઓની જિલ્લામાં આંતરિક બદલીઓ કરી નાખવામાં આવી છે. થાન પંથકમાં ખનીજ માફિયાઓ બેફામ રીતે ખનીજ ચોરી કરી રહ્યા છે. ત્યારે આ મામલે થોડા સમય પહેલા ગાંધીનગર સેલે ભાડુકા તળાવમા ચાલતા ખનીજ પર દરોડા પાડી લાખો રૂપિયાનો કાર્બોસેલ જપ્ત કર્યો હતો. ત્યારે થાન પોલીસ સ્ટેશનમાં વર્ષોથી ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ, એ.એસ.આઈ અને લોકરક્ષકની આંતરિક બદલીઓ કરી નાખવામાં આવી છે. જેને લઇને સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લા પોલીસમાં ફફડાટ વ્યાપ્યો છે. છેલ્લા ઘણા સમયથી જિલ્લાની થાન પોલીસ ચર્ચામાં આવી છે. થાન પોલીસ સ્ટેશનના આઠ પોલીસ કર્મચારીઓની બદલી કરી નાખવામાં આવી છે. ખનીજ ચોરીના મામલે તથા થોડા સમય પહેલાં પ્રોહિબિશનના ગુનામાં આરોપીને માર મારી અને પૈસા પડાવવામાં આવ્યા હોવાનો વીડીયો વાયરલ થયો હતો. જેને લઇને થાન પોલીસ ચર્ચામાં આવી હતી. ત્યારે એક સાથે આઠ પોલીસ કર્મચારીઓની બદલી આ મામલે કરાઇ હોવાની ચર્ચા વહેતી થઈ છે. થાન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ તથા પી.સી.તથા લોક રક્ષકોની બદલી કરી નાખવામાં આવી છે. વર્ષોથી થાન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. તે પૈકી આઠ લોકોની બદલી કરી નાખવામાં આવી છે. જેને લઇને ચકચાર મચી છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા એકશનમાં આવી અને આંતરિક બદલીઓ કરી નાખવામાં આવી છે. જે બદલીના ઓર્ડર કાઢવામાં આવ્યા છે. તેમાં જાહેરહિતથી બદલી કરવામાં આવી હોય અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તે માટે બદલી કરવામાં આવી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગાંધીનગર સીઆઇસેલની ટીમે થાનના ભાડુકા તળાવમાં ખનીજના દરોડા પાડી અને લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. સી.આર સેલની ટીમે ખનીજનો જથ્થા સહિતના વાહનો જપ્ત કરવામાં આવ્યા છે અને થાન પોલીસને સોંપવામાં આવ્યા છે. ત્યારે આ મામલે થાન પોલીસ, થાન પ્રશાસન વિભાગ અને ખાણ ખનીજ વિભાગ સામે આંગળી ચિંધતો કિસ્સો સામે આવ્યો છે કારણ કે, સ્થાનિક પોલીસ તથા સ્થાનિક ખાણ ખનીજ વિભાગ હોવા છતાં પણ ગાંધીનગરની સીઆઈસેલની ટીમે દરોડા પાડી અને લાખો રૂપિયાનો ખનીજ ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.


