ગાંધીનગર
દાહોદથી પોતાના ભાઈ સાથે આશરે ત્રણ મહિના અગાઉ મજૂરી અર્થે આવેલી ૧૫ વર્ષીય સગીરાને લલચાવી ફોસલાવીને અજાણ્યો શખ્સ ગાંધીનગરનાં ભાઈજીપૂરા વિસ્તારમાંથી અપહરણ કરીને ભગાડી જતાં ઈન્ફોસિટી પોલીસ દ્વારા સગીરાની ભાળ મેળવી લેવામાં આવી હતી. જેનું ગાંધીનગર સિવિલમાં મેડિકલ પરીક્ષણ કરાવતાં સગીરા ગર્ભવતી હોવાનું બહાર આવ્યું છે. બીજી તરફ સિવિલમાં દાખલ સગીરાને તેના માં બાપ એકલી મૂકીને વતનમાં જતાં રહેતાં ઈન્ફોસિટી પોલીસ જનેતાની જેમ છેલ્લા પાંચ દિવસથી સરભરા કરીને સરાહનીય કામગીરી કરી રહી છે. દાહોદ મુકામે રહેતા અને કડિયા કામ કરતાં ફરિયાદીને પરિવારમાં પત્ની અને ચાર સંતાનો છે. આજથી ત્રણ માસ અગાઉ તેમણે દીકરા અને ૧૫ વર્ષીય દીકરીને ઠેકેદાર સાથે ગાંધીનગર મજૂર અર્થે મોકલી આપ્યા હતા અને બન્ને ભાઈ-બહેન ભાઈજીપૂરા ખાતે આવેલી એક સાઈટ પર મજૂરી કામ કરી કોબા ખાતે રહેતા હતા. આ દરમિયાન આશરે ત્રણ મહિના અગાઉ ભાઈ બહેન મજૂરી અર્થે ગયા હતા. પરંતુ સગીર બહેન ઘરે પરત નહીં ફરતા તેના ભાઈએ પિતાને ફોન કરીને સઘળી હકિકત વર્ણવી હતી. જેનાં પગલે પિતા અને અન્ય સગા વ્હાલા ગાંધીનગર આવી પહોંચ્યા હતા. અહીં આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાય દિવસથી શોધખોળ કરવા છતાં સગીરાનો કયાંય પત્તો લાગ્યો ન હતો. આખરે ઈન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો દાખલ કરી તપાસ કરેલી પણ સગીરાની કોઈ ભાળ મળતી ન હતી. આ મામલે પીઆઈ વી જી રાઠોડે આવતાની સાથે સગીરાની ઘનિષ્ઠ તપાસ આદરી હતી. ત્યારે માલુમ પડયું કે દાહોદનો પરેશ મેડા સગીરાને ભગાડીને દાહોદ લઈ ગયો છે. જેથી એક ટીમને પરેશનાં ઘરે મોકલી આપી હતી. જ્યાં સગીરા મળી આવી હતી. પણ પરેશ હાથમાં આવ્યો ન હતો. બાદમાં કાયદાકીય રીતે સગીરાનું સિવિલનાં તબીબો દ્વારા પરીક્ષણ કરવામાં આવતાં તે ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું. જેનાં પગલે તેને સિવિલમાં દાખલ કરવામાં આવી હતી અને સગીરાને તેના માં બાપને સોપવામાં આવી હતી. ત્યારે પાંચેક દિવસ અગાઉ અચાનક જ સગીરાના માં બાપ તેને એકલી મૂકીને વતન જતાં રહ્યાં હતાં. જેની જાણ થતાં પીઆઈ રાઠોડ સગીરા પાસે પહોંચી ગયા હતા. સગીરાની સ્થિતિને ધ્યાને રાખી સગીરા સાથે એક લેડી કોન્સ્ટેબલ ને રાખી દીધી છે. તેમજ સવાર સાંજ ચા નાસ્તો, ફ્રુટ એટલે સુધી કે ગરમા ગરમ શીરો પણ ખવડાવવામાં આવી રહ્યો છે. ઈન્ફોસિટી પોલીસ છેલ્લા પાંચ દિવસથી જનેતાની જેમ જ સગીરાની સાર સંભાળ લઈને હાલમાં સરાહનીય કામગીરી કરી રહી છે. તો ખુદ પીઆઈ રાઠોડ પણ દિવસમાં એકવાર સગીરાની ખબર અંતર પૂછવા જવાનું ચૂકતા નથી. સગીરાને સિવિલમાંથી જ્યાં સુધી ડિસ્ચાર્જ કરવામાં નહીં આવે ત્યાં સુધી ઈન્ફોસિટી પોલીસ સતત હાલમાં સગીરાની વિશેષ કાળજી રાખી રહી છે. બાદમાં કાયદાકીય રાહે આગળની કાર્યવાહી કરવામાં આવશે.ગાંધીનગરના ભાઈજીપુરા પાસેની કન્સ્ટ્રક્શન સાઈટ પરથી આશરે ત્રણ મહિના અગાઉ ૧૫ વર્ષીય સગીરાનું દાહોદના યુવાને અપહરણ કર્યું હતું. આ મામલે ઈન્ફોસિટી પોલીસે અપહરણ, પોક્સો સહીતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસનો હાથ ધરી હતી. ત્યારે સગીરાની ભાળ મેળવી સિવિલમાં દાખલ કરાઈ છે. તો મેડિકલ પરીક્ષણમાં સગીરા ગર્ભવતી હોવાનું બહાર આવતાં તેના માં-બાપે વતનની વાટ પકડી લીધી છે. જેને લઈ સગીરાની સ્થિતિ જાેઈને છેલ્લા પાંચ દિવસથી જનેતાની જેમ જ ઈન્ફોસિટી પોલીસ સરભરા કરી સરાહનીય કામગીરી કરી રહી છે.
