ભરૂચના રસ્તા પરના ખાડાઓએ વધુ એક યુવાનનો ભોગ લીધો છે. દહેજ બાયપાસ પર મઢુલી સર્કલ પાસે લકઝરીની ટક્કરે માસુમ ધ્યાનીના મોત બાદ દહેજ રોડ પર જ ભુવા ગામ પાસે ટ્રક ચાલકે ખાડો બચાવવા જતાં એક બાઇકને ટક્કર મારતાં બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવાનને ગંભીર જાઓ થઇ હતી.
વાગરા તાલુકાના ખોજબલ ગામનો જીયાઉલ મુસ્તુફા સોયલ પટેલ તેના મિત્ર સલમાન મોહંમદ પટેલ સાથે તેની બાઇક પર કામ અર્થે ભરૂચ આવ્યાં હતાં. જ્યાંથી તેઓ પરત જઇ રહ્યાં હતાં. તે વેળા દહેજ રોડ પર ભુવા ગામના પાટીયા પાસે સામેથી આવતી ટ્રકનો ડ્રાયવર ખાડા બચાવવા જતાં સંતુલન ગુમાવી બેસ્યો હતો. ટ્રકે બાઇકને ટકકર મારતાં બંને યુવાનો ડીવાઇડર સાથે અથડાયાં હતાં. જેમાં સલમાનનું ગંભીર ઇજાઓને પગલે મોત થયું હતું. જ્યારે જીયાઉલ મુસ્તુફા સોયેલને ગંભીર હાલતમાં પટેલ વેલફેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવ સંદર્ભે તેમણે ભરુચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


