નડિયાદ
નડિયાદમાં ગત ૭મી માર્ચથી ૧૦મી માર્ચના સવારના સમયગાળા દરમિયાન શહેરના ૭ સ્થળોએ પાર્ક કરેલી ઈકો કારના સાઈલેન્સરો ચોરી થયા છે. જેમાં શહેરના ન્યુ શોરક ગ્રાઉન્ડ સામે આવેલી અયોધ્યાપુરી સોસાયટીમાં સંગીતાબેન શાહની ઈકો કાર, રણમુક્તેશ્વર સોસાયટીમાં હેમલતાબેન તૈલીની કાર, નારાયણ પાર્ક સોસાયટીમાં રહેતા મુકેશભાઈ દેવરેની કાર, સિન્ધી ચાલીમાં રહેતા દિનેશસિહ પાવરની ઈકો કાર, હેમદી પાર્ક સોસાયટીમાં રહેતા મોહસીન મોટાની ઈકો કાર, ફૈસલ પાર્ક સોસાયટીમાં રહેતા જાવેદભાઈ વડતાલાની ઈકો કાર અને હિલ પાર્ક ખાતે રહેતા મોહસીન અલાદની પાર્ક કરેલ ઈકો કારના સાઈલેન્સરો તસ્કરો ચોરી ગયા હોવાનું કાર માલિકોના ધ્યાને આવ્યું હતું. ૩ દિવસ દરમિયાન થયેલી આ ચોરીના સંદર્ભે કાર માલિકો પોલીસ મથકે દોડી આવ્યા હતા. આથી નડિયાદ પોલીસે સંગીતાબેન શાહના પતિ અશોકભાઈ શાહની ફરિયાદના આધારે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે આ ટોળકી ફરી એક વખત જિલ્લામાં સક્રીય બની છે. આ સાઈલેન્સરોની ચોરી કરતી ટોળકી પોલીસ જલ્દીથી પકડે તેવી માંગ ઉઠી છે.નડિયાદમાં પાર્ક કરેલ ઈકો કારમાંથી સાઈલેન્સરો ચોરાઈ જવાના કિસ્સાએ ભારે ચકચાર જગાવી છે. નડિયાદ પૂર્વમાંથી ૩ દિવસમાં જ પાર્ક કરેલી ૭ જેટલી ઈકો કારમાંથી સાઈલેન્સરો ચોરી કરીને તસ્કરો છૂમંતર થયા છે. આ બનાવ સંદર્ભે નડિયાદ ટાઉન પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આ સાઈલેન્સર ચોરી કરતી ટોળકીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
