નડિયાદ
નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં વૈશાલી રોડ ઉપર આવેલ બેન્ક સ્ટાફ સોસાયટીમાં રહેતા ૫૨ વર્ષિય જાગૃતીબેન પરસોત્તમદાસ ગોર પોતે મહોળેલ તાબેના કુબેરપુરા ખાતેની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. જાગૃતીબેનના વર્ષ ૧૯૯૨માં કમલેશકુમાર રતિલાલ પુરોહિત સાથે લગ્ન થયા હતા. લગ્નના ખૂબ જ ટૂંકા ગાળામાં બંને વચ્ચે મનમેળ ન થતા બંનેએ રાજીખુશીથી છુટાછેડા લઈ લીધા હતા. તેઓને સંતાનમાં એક દીકરો રવિ હતો. જે નાનપણથી જ પોતાના પિતા પાસે આણંદના ગોપી સીનેમા પાસે રહેતો હતો. યુવાવસ્થા પહોંચેલો રવિ અવારનવાર પોતાની માતાને નડિયાદ ખાતે મળવા આવતો હતો. વર્ષ ૨૦૧૭-૧૮થી અમુક સમયે રવિ આવતો અને જાગૃતીબેન તથા તેમના કુટુંબીજનોને બહાર જવાનું હોવાથી તેઓને એક ગાડી લેવાનું નક્કી કરેલ હતું. આ વખતે જાગૃતીબેનના દિકરા રવિએ પોતાની ત્યકતા માતાને કહેલ કે હું તમને સારી ગાડી જાેઈ લાવી આપીશ ત્યારબાદ રવિએ આણંદમાં કોઈકના ત્યાં ગાડી જાેઈને લેવાનું નક્કી કરેલ અને જે માટેના ડોક્યુમેન્ટ પોતાની માતા પાસેથી લઈ ગયો હતો. આ બાદ સારી કન્ડિશનની ઈનોવા ગાડી નંબર (જીજે-૦૬-એચએલ-૭૩૭૪) રૂપિયા દસ લાખના ભાવે વેચાણ લીધી હતી. જાગૃતીબેને છ લાખની લોન કરી આપેલી તથા શિક્ષક સમાજની મંડળીમાંથી રૂપિયા ચાર લાખની લોન લીધી હતી જેનો હપ્તો પણ બંધાયેલો હતો. આ ગાડી લીધા પછી રવિ ઉપરોક્ત ગાડીને પોતાની પાસે જ રાખતો હતો અને કંઈક ને કંઈક બહાનાં કાઢતો હતો જેથી તેના વિરુદ્ધ જાગૃતીબેન એ એક વખત અગાઉ અરજી પણ આપી હતી જેથી આ સમયે રવિ ગાડી પોતાની માતાને સોપી જતો રહ્યો હતો. ગત ૬ જૂન ૨૦૨૧ના રોજ રવિએ પોતાની ત્યકતા માતાના ઘરે આવી ઉપરોક્ત નંબર વાળી ગાડી જેની કિંમત આશરે છ લાખ ગણી શકાય તે ગાડી બળજબરીપૂર્વક લઈ જતો રહ્યો હતો. વારંવાર માગણી કરવા છતાં પણ પોતાની માતાને રવિ આ કાર સોપતો નહોતો. જાગૃતીબેન ગમ ખાઈ ને બેસી રહ્યા હતા અને ગાડી પાછી આપી જશે તેવું તેમને લાગતું હતું પરંતુ લાંબા ગાળાના સમય બાદ પણ તેઓને ગાડી પરત ન આપતા ગાડીનો ખોટો દુરુપયોગ થવાની શક્યતા રહેતી હોવાથી તેઓએ પોતાના દીકરા રવિ કમલેષકુમાર પુરોહિત (રહે.એ.૧૧, નારાયણ કોમ્પલેક્ષ, ગોપી સિનેમા સામે, આણંદ) સામે નડિયાદ પશ્ચિમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.નડિયાદમાં ત્યક્તા શિક્ષિકા માતાએ પોતાના દીકરા વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવતા ચકચાર જાગી છે. દિકરાએ માતાના ઘર પાસે પાર્ક કરેલી કાર બળજબરીપૂર્વક ચોરી કરી લેતા માતાએ નડિયાદ પશ્ચિમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પેટે પાટા બાંધી તથા લોનની ભરપાઈ કરી ત્યકતા શિક્ષિકાએ કાર વસાવી હતી. કળિયુગમાં બનેલા દાખલાએ નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં ભારે ચકચાર જગાવી છે.


