શતાયુ વટાવી ચૂકેલા બોરિયા ગામનાં ૧૦૧ વર્ષીય પાર્વતીબેન તડવી પરિવારનાં સભ્યો સાથે મતદાન કરીને મતદાનથી અળગા રહેતાં મતદારોને પ્રેરક રાહ ચીંધે છે
————–
નર્મદા જિલ્લામાં લોકશાહીનાં મહાપર્વની આજે થયેલી ઉજવણીના ભાગરૂપે ૧૪૮-નાંદોદ (અ.જ.જા) વિધાનસભા મતવિસ્તારમાં તેમજ ૧૪૯-દેડીયાપાડા (અ.જ.જા) વિધાનસભા મતવિસ્તારમાં યોજાયેલા મતદાનનો આજે સવારે શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો. અત્રે નોંધનીય છે કે, નર્મદા જિલ્લામાં ઉક્ત બંને વિધાનસભા વિસ્તારો માટે સેવા મતદારો સહિત કુલ-૪,૫૭,૮૮૦ મતદારો નોંધાયેલા છે. ઉક્ત બંને બેઠકની ચૂંટણી સ્પર્ધામાં રહેલાં ૦૯ ઉમેદવારોનું ભાવિ ઘઢી કાઢવામાં નર્મદા જિલ્લાનાં મતદારો ભાગીદાર બનશે. આ લોકશાહીના અવસરને વધુ મજબૂત બનાવવાના ધ્યેય સાથે જિલ્લાના વિકલાંગ-દિવ્યાંગ અને તનથી અશક્ત પણ મનથી સશક્ત મતદાતાઓએ પણ લોકશાહીનાં મહાપર્વમાં ભાગ લઇને મતદાન કરી અન્ય મતદારોનો ઉત્સાહ વધાર્યો હતો.
નાંદોદ વિધાનસભા મતવિસ્તારના ભદામ ગામના દિવ્યાંગ શ્રી હિરલકુમાર પ્રવિણભાઈ પટેલે ગામની શાળામાં આવેલા મતદાન મથકે પહોંચી મતદાન કર્યું હતું. લોકશાહીનાં આ મહાપર્વની ઉજવણીમાં ભાગ લેવા બદલ ગૌરવ અનુભવતા હિરલકુમાર જણાવે છે કે, આ અગાઉ મેં અનેકવાર મતદાન કર્યું હતું. હું દુનિયાને નજરે નિહાળી શકતો નથી પરંતુ અનુભવી રહ્યો છું, આજે પણ હું મતદાન કરવા માટે આવ્યો છું. સૌએ અચૂક મતદાન કરવું જ જોઇએ તેવો સંદેશો તેમણે આપ્યો છે. તેવી જ રીતે રાજપીપલાના લાલટાવર વિસ્તારમાં રહેતા શ્રીમતી ઈલાબેન વિક્રમભાઈ તડવી પણ ૧૦૦ ટકા દિવ્યાંગતા ધરાવે છે. તેઓ કંઈજ જોઈ શકતા નથી પરંતુ રાજેન્દ્ર હાઈસ્કૂલ ખાતેના મતદાન મથકમાં પોતાનો મત આપવા આવ્યા હતા. તેમણે જણાવ્યું કે, હું અત્યાર સુધીની દરેક ચૂંટણીમાં મતદાન કરતી આવી છું. આજે પણ મારો કિમતી મત આપીને ગર્વની લાગણી અનુભવું છું. અન્ય મતદારોએ પણ પોતાની મતદાન માટેની પરિત્ર ફરજ બજાવીને લોકશાહીના પર્વમાં સહભાગી બનવું જોઈએ. જ્યારે નાંદોદ તાલુકાના મોટા રાયપુરા ગામના શ્રી નરેશભાઈ શંકરભાઈ વલવી પોતે પણ જોઈ શકતા નથી પરંતુ કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા મતદાન મથક પર બ્રેઈલ લિપી વાળું સાહિત્ય ઉપલબ્ધ કરાવી મતદાનની પ્રક્રિયા સરળ બનાવવા બદલ આભારની લાગણી વ્યક્ત કરતા જણાવી રહ્યાં છે કે, ભલે હું મારી આંખોથી કોઈ વસ્તુને જોઈ શકતો નથી પરંતુ મને ભારતના નાગરિક તરીકે મત આપવાનો જે પવિત્ર અધિકાર મળ્યો છે તેનો આજે મેં ઉપયોગ કર્યો. આજે મને મતદાનની પ્રક્રિયામાં સહભાગી બનવાનો આનંદ થાય છે. આમ, તનથી અશક્ત પણ મનથી સશક્ત એવા શ્રી નરેશભાઈ વલવી મતદાન કરીને સૌ કોઇને અચૂક મતદાન માટેની પ્રેરણા આપી છે.
દિવ્યાંગ મતદારોની સાથે સાથે જિલ્લામાં નોંધાયેલાં શતાયુ મતદારોમાં પણ મતદાન માટેનો અનેરો ઉત્સાહ જણાયો હતો. આઝાદી બાદ ૧૯૫૧-૫૨ થી આજદિન સુધી યોજાયેલી ગ્રામ પંચાયતથી લઇને વિધાનસભા-લોકસભાની તમામ ચૂંટણીઓમાં મતદાન કરનાર ગરૂડેશ્વર તાલુકાનાં બોરિયા ગામના ૧૦૧ વર્ષીય પાર્વતીબેન તડવી ભલે જોવા-સાંભળવા અને ચાલવામાં અશક્ત છે પણ તેમના પરિવારનાં સભ્યો સાથે બોરિયા ગામના મતદાન કેન્દ્ર ખાતે પહોંચીને મતદાન કર્યું હતું. તેમના દિકરા શંકરભાઈ તડવીએ જણાવ્યું હતું કે, અમારા માતાશ્રી દરેક વખતની ચૂંટણીમાં હંમેશા મતદાન કરતા આવ્યા છે. અમારા સમગ્ર પરિવારને તેઓ મતદાન માટે પ્રેરણા આપી રહ્યા છે. અન્ય મતદારોને પણ અવશ્ય મતદાન કરવા માટેની અપીલ કરી રહ્યાછે. જ્યારે ભદામ ગામના વતની અને ૯ દશકાનું આયખુંવટાવી ચૂકેલા શ્રીમતી મંજુલાબેન ચતુરભાઈ પટેલ જણાવી રહ્યાં છે કે, હું આજે મારા ગામની શાળામાં મતદાન કરવા માટે આવી છું. હું આજે અત્યંત ખુશીની લાગણી અનુભવી રહી છું. અન્ય મતદારોએ પણ પોતાના મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરી લોકશાહીને મજબુત બનાવવામાં સહભાગી બનવું જોઈએ. તેવી જ રીતે દેડિયાપાડા તાલુકાના ટીંબાપાડા ગામે રહેતા અને ૮૦ વર્ષથી વધુ વયના ભારૂબેન વસાવા, તિલકવાડા તાલુકાના ૯૫ વર્ષીય વાલજીભાઈ ભાણાભાઈ પરમાર સહિત જિલ્લાના બંને વિધાનસભા મતવિસ્તારમાં દિવ્યાંગોની સાથોસાથ જિલ્લાનાં શતાયુ મતદારોએ પણ મતદાનમાં ભાગ લઇને કોઇપણ કારણ વિના મતદાનથી અળગા રહેતાં મતદારોને અચૂક મતદાન માટેનો પ્રેરક સંદેશો આપ્યો છે.


