Gujarat

નર્મદા જિલ્લામાં “નારી વંદન ઉત્સવ” નો ગરૂડેશ્વરના ભીલવશી ગામેથી થયેલો પ્રારંભ

તા.૦૧ થી ૦૭ ઓગષ્ટ દરમિયાન યોજાનારા કાર્યક્રમના ભાગરૂપે પ્રથમ દિવસે
ઉજવાયો “મહિલા સુરક્ષા દિવસ”
———-
ભીલવશી ગામે યોજાયેલી “મહિલા જાગૃતિ શિબિર” માં મોટી સંખ્યામાં ગામની મહિલાઓ જોડાઇ
———-
મહિલાઓ માટે સરકારશ્રી દ્વારા અમલી વિવિધ યોજનાના અમલીકરણ અધિકારીશ્રીઓએ શિબિરમાં ઉપસ્થિત રહી મહિલાઓને પુરી પાડી યોજનાકીય માહિતી
———-
                ગુજરાત સરકારશ્રી દ્વારા મહિલાઓ અને બાળકોના ઉત્થાન, મહિલા સશક્તિકરણ માટે અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે ત્યારે આ વર્ષે મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા એક સપ્તાહ સુધી “નારી વંદન ઉત્સવ” ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ સપ્તાહ દરમિયાન નારી શક્તિને ઉજાગર કરવા માટેના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવનાર છે. જે અંતર્ગત આજરોજ નર્મદા જિલ્લામાં ગરૂડેશ્વર તાલુકાના ભીલવશી ગામે મહિલા જાગૃતિ તાલીમ શિબિર યોજી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
              નર્મદા જિલ્લા મહિલા અને બાળ અધિકારી સુશ્રી હસીનાબેન મન્સુરીની ઉપસ્થિતિ તેમજ ભીલવશી ગામના સરપંચ શ્રીમતી ચંપાબેન તડવીની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં સરકારશ્રીની મહિલાઓ સંદર્ભિત વિવિધ યોજનાઓના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા. તમામ વિભાગના અધિકારીશ્રીઓએ મહિલાઓને લગતી યોજાનાકીય બાબતોની વિસ્તૃતમાં જાણકારી આપી હતી.
              મહિલા શિબિરમાં ઉપસ્થિત જિલ્લા મહિલા અને બાળ અધિકારી સુશ્રી હસીનાબેન મન્સુરીએ જણાવ્યું હતું કે, મહિલા અને પુરૂષની દરેક કાર્યમાં એક સરખી ભાગીદારી વધે તેવા સઘન પ્રયાસો સરકારશ્રી દ્વારા કરવામાં આવી રહ્યાં છે. મહિલા ઘરના દરેક કાર્યમાં હંમેશા કેન્દ્ર સ્થાને હોય છે પરંતુ તેઓ પોતે જ કેન્દ્ર બિંદુને ભૂલી જતી હોય છે. જેથી મહિલાઓએ જાગૃત થવું પડશે. મહિલાઓ દરેક કાર્યમાં આગળ આવે તે માટે કેન્દ્ર સરકારની ૩૯ જેટલી યોજનાઓ હાલમાં અમલી છે સાથે ગુજરાત સરકારશ્રીની પણ અનેકવિધ યોજનાઓ અમલી છે તેનો મહિલાઓ બહોળી સંખ્યામાં લાભ લઇ પોતાનો અને પરિવારનો વિકાસ સાધી સ્વાવલંબન તરફ આગળ વધશે તોજ આ “નારી વંદન ઉત્સવ” અને “મહિલા જાગૃતિ શિબિર” સાર્થક થશે તેમ તેમણે ઉમેર્યું હતું.
              “મહિલા જાગૃતિ શિબિર” માં ઉપસ્થિત તાલુકા કાનુની સેવા સમિતિ, નાંદોદના વકીલ સુશ્રી ભામીનીબેન રામીએ આજના “મહિલા સુરક્ષા દિવસ” ની ઉજવણીના ઉપલક્ષમાં ઉપસ્થિત મહિલાઓને “ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫” ના અનુસંધાને મહિલાઓને મળેલા હક્કો સંદર્ભે વિસ્તૃત છણાવટ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણું આચરણ સારું હોય તો હિંસા પણ અટકી શકે છે. કામના સ્થળોએ પણ મહિલાઓનું શોષણ થતું હોય છે ત્યારે ઘર-ઓફિસમાં મહિલાઓની થતી સતામણી માટે સરકારશ્રી દ્વારા ચાલતી વિવિધ યોજનાઓનો કેવી રીતે ઉપયોગ કરી શકાય અને કાયદાના યોગ્ય ઉપયોગ થકી મહિલા વાલીપણું પણ મેળવી શકે છે તે બાબતની વિશેષ જાણકારી આપી હતી.
              મહિલા જાગૃતિ શિબિરમાં “બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થા-રાજપીપલા” ના શ્રી રાજેન્દ્રભાઇ ગોહિલે સરકારશ્રી દ્વારા ચાલતી મહિલા સ્વાવલંબન યોજનાઓ અંગે જાણકારી આપી હતી. સાથે ૧૮૧ મહિલા હેલ્પલાઇનનો ઉપયોગ મહિલાઓ કેવા સંજોગોમાં કરી શકે તેની જાણકારી કાઉન્સેલર જાગૃતિબેન પરમારે આપી હતી. જ્યારે “સખી” વનસ્ટોપ મહિલાઓ માટે શું કામગીરી કરી રહી છે તેની વિસ્તૃત માહિતી કેન્દ્ર સંચાલક સુશ્રી દિપીકાબેન ચૌધરીએ પુરી પાડી જ્યારે ગરૂડેશ્વર પોલીસ મથકના પી.એસ.આઇ. શ્રી પી.એમ.પરમાર તથા મહિલા પોલીસ મથકના પી.આઇ. સુશ્રી એસે.ડી.પટેલે મહિલાઓને લગતી અને પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવતી મહિલા સહાયક કામગીરી વિશે વિગતે સમજ આપી હતી. જ્યારે પોલીસ સ્ટેશન લઇઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર હિરલબેન વસાવાએ પોલીસ મથકમાં જતી મહિલાઓને યોગ્ય માર્ગદર્શન આપી મહિલા ઓની સમસ્યા સાંભળી તેનું કાઉન્સેલિંગ કરી તેમની સમસ્યાનું સમાધાન કરી મહિલાને જે સહયોગ આપવામાં આવે છે તેની જાણકારી આપી હતી.

IMG-20220801-WA0039.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *