Gujarat

નવસારીમાં આદિવાસી આક્રોશ રેલીમાં શરતોને આધીન આપેલી મંજૂરીનું ઉલ્લંઘન થતા ૧૧ સામે ફરિયાદ

નવસારી
વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલ સામે વધુ એક એફઆઈઆર નોંધવામાં આવી છે. લુંસીકુઈ પાસે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતની ઉપસ્થિતિમાં સભા પૂર્ણ થયા બાદ લુંસીકુઈથી કલેક્ટર કચેરી સુધી આદિવાસી આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો અનંત પટેલની આગેવાનીમાં કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. ત્યારે કલેક્ટરના જાહેરનામાનો ભંગ થતાં ધારાસભ્ય સહિત કુલ ૧૧ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. અનંત પટેલની આદિવાસી આક્રોશ રેલીને જુદી-જુદી ૨૨ શરતોને આધીન મંજૂરી અપાઈ હતી. કલેક્ટર કચેરીના ૨૦૦ મીટર વિસ્તારમાં સરઘસ, ધરણા, સભા લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ હોવા છતાં કાર્યક્રમનું આયોજન થયું હતું. સમય મર્યાદા કરતા પોણા ત્રણ કલાક વધુ રેલી કાર્યરત રહી હતી. કલેક્ટર કચેરીમાં પોલીસે સમજાવવા છતાં સભામાં ડીજે પર ભાષણો ચાલુ રાખવામાં આવ્યાં હતા. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા ૫ આગેવાનોના નામોની યાદી ન આપી કલેક્ટરને નીચે બોલાવી આવેદનપત્ર સ્વિકારવાની માંગ કરવામાં આવી હતી. રેલીની મંજૂરીની ૨૨ શરતોમાંથી ૫થી વધુ શરતોનો ભંગ કરતા મંજૂરી રદ્દ થતા વાંસદાના કોંગી ધારાસભ્ય સહિત ૧૧ આદિવાસી આગેવાનો પર જાહેરનામા ભંગ સહિતની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. રેલીની મંજૂરી મેળવનાર નવસારી શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ધર્મેશ માળી અને પૂર્વ શહેર પ્રમુખ દિપક બારોટ સામે પણ ફરિયાદ થઈ છે. ૮ મી સપ્ટેમ્બરે ખેરગામમાં ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા હુમલાના આરોપીઓ ન પકડાતા તોફાની બનેલા ટોળાએ ખેરગામમાં સ્ટીલની દુકાનને આગ ચાપવા સાથે સરકારી વાહનને નુકસાન પહોંચાડ્યું હતું. જેથી ખેરગામમાં પણ ધારાસભ્ય સહિત ટોળા વિરૂદ્ધ ગુનો નોંધાયા બાદ ગઈકાલે કલેકટર કચેરી બહાર રેલી કાઢી હતી. જેમાં નિયત કરેલા નિયમોનું પાલન ન થતાં ગ્રામ્ય પોલીસમાં પીએસઆઈ ફરીયાદી બની એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.

Page-26.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *