Gujarat

નવાબંદરની બોટ પર હુમલો કરી બોટને તોડી નાંખી

ઉના
ઊના તાલુકાના નવાબંદર, સૈયદ રાજપરા નજીકનાં દરિયામાં મહારાષ્ટ્રની સંખ્યાબંધ બોટો ઘાતક હથિયાર સાથે આવીને ગેરકાયદેસર રીતે ફીશીંગ કરી જાય છે. સ્થાનિક માછીમારોની ફીશીંગ નેટને નુકસાન કરીને ફીશીંગ પણ કરવા દેતા નથી. ખુલ્લેઆમ ગુંડાગીરી કરીને સ્થાનિક માછીમારોની બોટોને ચારે તરફથી ઘેરી લઈ એકબીજી બોટો સાથે ટક્કર મારી ડુબાડી દેવાના પ્રયાસ કરવા સાથે બોટના ટંડલ અને ખલાસીઓ પર હુમલા કરતા હોવાથી આ વિસ્તારના માછીમારોમાં ભારે રોષ છવાયો છે. ઊનાના નવાબંદરના કૈલાસ હરીભાઈ સોલંકીની માલીકીની સાગર પૂજન નામની બોટ ગઈકાલે મધરાતે દરીયા કિનારેથી ૫૦ નોટીકલ માઈલ દૂર મધદરિયે ફિશીંગ કરી રહી હતી. ત્યારે અચાનક મહારાષ્ટ્રની સંખ્યા બંધ બોટોએ તેને ઘેરી લઈને આતંક મચાવ્યો હતો. આ બોટને પાણીમાં ડુબાડી દેવા પ્રયાસ કરી પાંચેય માછીમારોને પાઇપ અને ધોકાથી ઢોરમાર માર્યો હતો. તેઓએ ભાગવાની કોશીષ કરતાં ૪ બોટો સાથે પીછો કરી કાચની બોટલોના છુટા ઘા કર્યા હતા. અને બોટને ભારે નુસાન પહોંચાડ્યું હતું. આ બોટનાં ખલાસી હરીભાઈ બાબુભાઈ બાંભણીયા, રામજીભાઈ બચુભાઈ સોલંકી (રે. નવાબંદર), હસમુખભાઈ ગોવિંદભાઈ શીયાળ (રે. કાજરડી), મહેશભાઈ ભીમાભાઈ સિલોત અને બોટના ટંડેલ મોહન ગોવિંદભાઈ શીયાળ (રે. વાંસોજ) ને ઈજાગ્રસ્ત હાલતમાં ઊના સરકારી હોસ્પીટલે ખસેડાયા છે. બનાવને પગલે નવાબંદરનાં સરપંચ સોમવારભાઇ માંડણભાઈ મજેઠીયા સહિત માછીમાર સમાજના લોકો હોસ્પીટલે દોડી ગયા હતા. અને ભારે રોષ વ્યક્ત કર્યો હતો.સૌરાષ્ટ્રનાં અરબી સમુદ્રમાં સંખ્યાબંધ મહારાષ્ટ્રની બોટો મધરાત્રે નવાબંદર અને સૈયદ રાજપરા નજીકનાં ૫૦ નોટીમાઈલ દરિયામાં ઘૂસી દાદાગીરીથી ફીશીંગ જાળ બિછાવી કિંમતી માછલીનો જથ્થો ઉપાડી લઈ જતાં હોય છે. તેનાં કારણે સ્થાનિક નાનાં બંદરોનાં માછીમારોને ભૂખે મરવાનો વારો આવે છે. આવી જ ઘટના નવાબંદરથી ૫૦ નોટીકલ માઇલ દૂર દરિયામાં બની હતી. જેમાં મહારાષ્ટ્રની બોટોએ નવાબંદરની એક બોટને ઘેરી લઇ તેની સાથે બોટ ભટકાવી તોડીને ડૂબાડવાની કોશીષ કરી હતી. અને ૪ ખલાસી તેમજ ૧ ટંડેલને માર માર્યો હતો. બનાવને પગલે પાંચેયને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *