આણંદ,તા.૧૯
આણંદના પેટલાદના બાંધણી ગામના હરખ મંગલ પાર્ક ખાતે રહેતી યુવતીના લગ્ન ૧૯૯૩માં દમણ ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અને ભાલેજના તારપુરમાં વતન ધરાવતા મફત બકોરભાઈ તળપદા સાથે થયાં હતાં. અઢી દાયકાથી સુખ રૂપ ચાલતા લગ્ન જીવનમાં ત્રણ સંતાનોનો જન્મ પણ થયો હતો. જાેકે, દોઢ – બે વર્ષ પહેલા મફતને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી મળી હતી અને દીવ ખાતે બદલી થઈ હતી. અહીં તે એક હોમગાર્ડ મહિલાના પરિચયમાં આવતા તેના પ્રેમમાં પડી ગયો હતો. જેને લઇ ઘરકંકાસ ઉભો થયો હતો. લગ્ન જીવન દરમિયાન ત્રણ સંતાનોનો જન્મ થયો હતો. મફત પોલીસમાં નોકરી કરતો હોવાથી અવાર નવાર ઘરે મોડા આવતો હતો અને દારૂ પીને આવીને મારઝુડ પણ કરતો હતો. તેણે અન્ય મહિલા સાથે આડો સંબંધ બંધાતા ઠપકો આપતાં મારઝુડ કરીને હું પોલીસવાળો છું, મને ગમેલી મહિલા મેં રાખી છે. તારે રહેવું હોય તો રહે. તેમ કહી પરિણીતાને ધમકાવતા હતો. આ ઉપરાંત તે અન્ય મહિલાના ઘરે જ રહેતો હતો અને પોતાના ઘરે આવતો નહોતો. આ બાબતે કાકા સસરાનું ધ્યાન દોરતાં તે પણ મફતની તરફે રહ્યાં હતાં અને પરિણીતાને ધમકાવી પિયરમાંથી રૂ.ત્રણ લાખ લાવવા ચઢવણી શરૂ કરી હતી. તેમાંય સાત-આઠ મહિના પહેલા આ જ બાબતે ઝઘડો થયો હતો અને મફતે પહેરેલા કપડે જ પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકી હતી. પતિએ ઘરમાંથી કાઢી મૂકતા પરિણીતા પતિના વતન ભાલેજ તાબેના તારપુરા ખાતે રહેવા આવી ગઇ હતી. જ્યાં સમાજના માણસો અને કુટુંબીઓએ સમાધાન કરવાનું કહેતાં પતિએ તારે જે કોર્ટમાં જવું હોય ત્યાં જા. હું પોલીસ છું. તેવો જવાબ આપ્યો હતો. આથી, સમાજના માણસો મફતના ફાર્મ પાલીકરમવેલી ડુંગરી ફળીયા, ઉંમરગામ, વલસાડ ખાતે ગયાં હતાં. પરંતુ ત્યાં પણ ધાક-ધમકી આપી હતી. આ ઉપરાંત તું અહીંયા રહિશ તો તને અને તારા બાળકોને હું જાનથી મારી નાંખીશ. તેમ જણાવ્યું હતું. આથી, પરિણીતા તેમના ભાઇના ઘરે પેટલાદ રહેવા આવી ગઇ હતી. આ અંગે મહિલા પોલીસે મફત બકોરભાઈ (રહે.નાની દમણ ન્યુ પોલીસ લાઇન ક્વાટર્સ), મહેન્દ્ર ડાહ્યાભાઈ, ગંગારામ ડાહ્યાભાઈ અને અરવિંદ મહીજીભાઈ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
