ગુજરાત જાહેર સેવા આયોગ ગાંધીનગર દ્વારા આયોજિત મુખ્ય અધિકારી નગર પાલિકા વર્ગ-૩ ની પ્રાથમિક કસોટી તા.૧૮/૧૨/૨૦૨૨ના રોજ જૂનાગઢના ૨૭ પરીક્ષા કેન્દ્રો પરના ૩૦૦ બ્લોકમાં યોજાશે. જેમાં ૭,૧૮૯ ઉમેદવાર પરીક્ષા આપશે. આ દરમિયાન તા.૧૮/૧૨/૨૦૨૨ના રોજ સવારના ૯-૩૦ થી બપોરે ૨ કલાક સુધી પરીક્ષા પ્રક્રિયા દરમિયાન નીચે મુજબના કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૨૦૦ મીટર વિસ્તારના કોઇપણ માર્ગ ઉપર કે ચોકમાં ગલીઓમાં પાંચ કરતા વધારે લોકોએ એકઠાં થવું નહિ. સરઘસો કાઢવા નહિ, સૂત્રો પોકારવા નહિ. પરીક્ષા કેન્દ્રની આસપાસનાં ૨૦૦ મીટરના વિસ્તારમાં કોપીઇંગ મશીન દ્વારા કોપીઓ કરવાનો વયવસાય કરતા-ઝેરોક્ષ મશીનો ધરાવતા ધંધાર્થીઓ –મશીન ધારકોએ તેમના કોપીંગ મશીન ચલાવવા નહીં કે કોઇપણ પત્રો, દસ્તાવેજો કાગળોની નકલો કાઢવી નહીં. ઝેરોક્ષ મશીન બંધ રાખવા. પરીક્ષામાં રોકાયેલા કેન્દ્રના સંચાલકશ્રીઓ, ખંડ નિરીક્ષકો,વહીવટી સેવામાં જેઓને ફરજ સોંપવામાં આવી હોય તે વોટરમેન, બેલમેન, કે જેઓ સક્ષમ અધિકારીશ્રીઓ દ્વારા ઓળખ પત્ર આપવામાં આવ્યા છે તે ચકાસીને જ પ્રવેશ આપવાનો રહેશે.વિદ્યાર્થી, વિદ્યાર્થીનીઓ, શિક્ષકો, સંચાલકો, વહીવટી કર્મચારીઓ, જાહેર જનતા કે ફરજ પરના તમામ પ્રકારના સરકારી કર્મચારીઓએ પરીક્ષા સંબંધી ચોરી ગણાય તેવી કોઇ વસ્તુઓ અથવા ઈલેકટ્રોનિક્સ આઇટમ જેવી કે મોબાઇલ ફોન, પેજર, કેલ્ક્યુલેટર વગેરે પુસ્તક, કાપલી, ઝેરોક્ષ નકલો, પરીક્ષા સ્થળે લઇ જવા નહિ. આવા કૃત્યોમાં મદદગારી કરવી નહિ. પરીક્ષાર્થી ઉમેદવાર અને પરીક્ષા સંબંધિત કામગીરીમાં રોકાયેલા ફરજ પરનાં અધિકૃત્ત માણસો સિવાય કોઇએ પ્રતિબંધિત વિસ્તારમાં દાખલ થવું નહિ. કોઇ પણ ઇસમે કોઇ પણ તરકીબ વાપરી પરીક્ષાર્થીને પરીક્ષા વિષયક ચોરી કરવા/કરાવવામાં સીધી કે આડકતરી મદદગારી કરવી કે કરાવવી નહીં. પરીક્ષાર્થી ઉમેદવારો શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે તે માટે તેમના લેખન કાર્યમાં અડચણ/ધ્યાનભંગ થાય તેવું કૃત્ય કરવું/કરાવવું નહિ. આ હુકમ પોતાના અંગત ઉપયોગ માટે કોપીઇંગ મશીનનો વપરાશ કરતી વ્યકિતઓને તથા ફરજના ભાગરુપે જે કર્મચારીઓને મુકિત આપવામાં આવી હોય, તેવી વ્યકિતઓને એકત્રિત થવા અંગેની જોગવાઇ લાગુ પડશે નહિ. હુકમનો ભંગ કરનાર વ્યકિત સામે કાયદેસરનાં પગલાં લેવામાં આવશે.
