Gujarat

પાટણના પિંઢારપુરા ગામે નારસંગાવીર મહારાજના મંદિર ખાતે મંદિરના ૨૫મા પાટોત્સવના ધાર્મિક કાર્યક્રમનું ભવ્ય આયોજન

પાટણ
વિશ્વવિખ્યાત પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકામાં આવેલ પીંઢારપુરા ગામ ખાતે સમગ્ર ગામના શ્રદ્ધાના કેન્દ્ર એવા નારસંગા વીર મહારાજના મંદિર ખાતે મંદિરના ૨૫મા પાટોત્સવના ધાર્મિક કાર્યક્રમનું તારીખ ૩૧મી અને ૧લી જૂનના દિવસે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી નારસંગા વીર મહારાજના વાર્ષિક પાટોત્સવ પ્રસંગ નિમિત્તે અનેકવિધ ધાર્મિક સામાજિક અને રચનાત્મક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત સતત ત્રણ દિવસ સુધી ગામના મહિલાઓ દ્વારા ગ્રામ સફાઈનું રચનાત્મક કામ કરીને સમગ્ર ગામને ચોખ્ખું અને આદર્શ બનાવવા જહેમત ઉઠાવાઇ હતી. તે ઉપરાંત બી.એન.પટેલના નેતૃત્વમાં યુવાનોની ટીમ દ્વારા વિવિધ કમિટીઓ બનાવીને તેમજ વડીલોને પણ તેમાં સામેલ કરીને કાર્યક્રમ દીપી ઉઠે એવું સુંદર આયોજન કરાયું હતું. આ પ્રસંગને યાદગાર બનાવવા વૃક્ષારોપણ જેવા કાર્યક્રમને પણ જાેડીને ભાવિ પેઢી માટે પણ એક પ્રેરણાદાયી કાર્ય ઉત્સવ સમિતિના આયોજકો દ્વારા કરવામાં આવ્યું હતું. ૧૯૯૮માં આ મંદિર મોટું બનાવી તેની ભવ્ય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. જ્યાં દર વર્ષે નાની મોટી ઉજવણી સાથે આ સાલ ૨૫માં વર્ષે જેઠ સુદ બીજે રાત્રે રાસ ગરબા યોજાયા બાદ તારીખ ૧ લી જૂનના રોજ સવારે ગામમાં ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. ત્યારબાદ લઘુરુદ્ર યજ્ઞ, ૧૦૮ દીવાની મહાઆરતી, ધ્વજા-પૂજારોહણ તેમજ રાત્રે ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ગ્રામજનોએ આ કાર્યક્રમ માણ્યો હતો. આ ધાર્મિક પ્રસંગને અનુલક્ષીને શૈક્ષણિક, સામાજીક કાર્યક્રમો પણ ગોઠવવામાં આવ્યા હતા. જેમાં પહેલી જૂન બુધવારના રોજ આ સમગ્ર કાર્યક્રમના મુખ્ય દાતા અને અન્ય દાતાઓ તેમજ સમાજમાંથી ભણી-ગણીને આગળ વધી ગામનું ગૌરવ વધારનારા ડોક્ટરો, એન્જિનિયર તેમજ યુપીએસસી-જીપીએસસી જેવી ઉચ્ચ કક્ષાની નોકરીઓમાં ક્લાસ વન અને ક્લાસ ટુમાં પસંદગી પામેલા સમાજના તેજસ્વી તારલાઓનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ શ્રદ્ધા ઝા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ૩૧ મે અમદાવાદથી પગપાળા સંઘ પિંઢારપુરા ગામ ખાતે આવી પહોંચતા સમગ્ર પાટોત્સવ ઉત્સવ સમિતિ દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યુ હતું. સમગ્ર ગામના દાતાઓ દ્વારા રાસ-ગરબાનું સુંદર આયોજન કરાયું હતું. જ્યારે સન્માન સમારોહ બાદ ર્નિમળદાન ગઢવીના લોક ડાયરાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે સમારંભના અધ્યક્ષ અને મુખ્ય દાતા બી.જે. પટેલ અને પરિવાર દ્વારા ભોજન પ્રસાદ તેમજ તમામ દીકરીઓને લ્હાણીનું વિતરણ કરવામાં આવ્યુ હતું. પાટોત્સવના ધાર્મિક ઉત્સવોને અનુલક્ષીને ગામને સુંદર લાઇટીંગ રોશનીથી શણગારવામાં આવ્યું હતું. સન્માન સમારંભમાં મંદિર ટ્રસ્ટના પ્રમુખ બાબુભાઈ એન.પટેલે પ્રાસંગિક વક્તવ્યમાં ગામમાં સામાજિક સુવિધાઓમાં વધારો થાય તેવું તેમનું સ્વપ્ન રહ્યું હોવાનું અને તેમના પ્રમુખ પદના સમયગાળા દરમિયાન સમાજના ઉમદા દાન ફાળાથી નવી વાડીના નિર્માણ ઉપરાંત મંદિર સંકુલમાં નવીનીકરણ સહિતના તેમના પંચ પ્રકલ્પ સાકાર થયા હોવાનો સંતોષ વ્યક્ત કરી આગામી સમયમાં પણ તેઓ ગામના અને સમાજના વિકાસ માટે સદાય પ્રતિબદ્ધ રહેશે તેવી તૈયારી દાખવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *