પાટણ
પાટણ ડીઈઓ કચેરી દ્વારા શિક્ષણ સહાયકને પૂરા પગારના હુકમ વિતરણ કરવાનો કાર્યક્રમ જિલ્લા શિક્ષણાધિકારી જયરામ જાેશીની અધ્યક્ષતામાં ગઈકાલે શુક્રવારે એસ.એમ. દેસાઇ ગોપાલક હાઈસ્કૂલ, પાટણ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં પાટણ જિલ્લાની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સહાયક તરીકે ફરજ બજાવતા ૪૯ શિક્ષણ સહાયકોને મદદનીશ શિક્ષક તરીકે પૂરા પગારમાં સમાવવાના હુકમ વિતરણ કરાયા હતા. જિલ્લામાં ૩૩ ગ્રાન્ટ-ઈન-એઇડ શાળાઓ અને ૧ સરકારી શાળા મળી કુલ ૩૪ શાળાના શિક્ષણ સહાયક તરીકે ફિક્સ પગારથી સેવા આપતા શિક્ષકોને કાયમી પૂરા પગારમાં સમાવતા ઓર્ડર આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ડીઈઓ જયરામ જાેશીએ પૂરા પગારમાં સમાવાયેલા શિક્ષકોને તેમના વિષયોમાં બાળકોને સારું જ્ઞાન આપીને સારું પરીણામ આપવા તેમજ કોરોના મહામારી દરમ્યાન શાળાઓમાં શિક્ષણ કાર્ય નહીં થઈ શકતા ઉભી થયેલી લર્નિંગ લોસને પૂર્ણ કરવા તેમનું કર્તવ્ય નિષ્ઠાથી અદા કરવા તેમજ સમગ્ર જિલ્લાની શાળાઓના બાળકોને ઓનલાઈન શિક્ષણનો લાભ પહોંચાડવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં ડીઈઓ કચેરીના બિપીન પ્રજાપતિ, રાજુ દેસાઈ, શિક્ષણ બોર્ડના સભ્ય મુકેશ પટેલ સહિત અમૃત દેસાઈ, લાલભાઈ દેસાઈ, બચુભાઇ પટેલ, હરેશ પટેલ, વિજય પ્રજાપતિ, પ્રહલાદ પટેલ, ધનરાજ ઠકકર, પરેશ ચૌધરી વિગેરે વિવિધ સંઘોના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.પાટણ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક તરીકે ફરજ બજાવતા અને ૫ વર્ષની સેવા પૂરી કરનારા ૪૯ શિક્ષકોને પૂરા પગારમાં સમાવી તે અંગેના હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
