પાટણ
પાટણ શહેરમાં મુખ્ય પોસ્ટઓફીસની પાછળના ભાગે રહેતા એક સીનીયર સીટીઝન મહિલાને બે અજાણ્યા ઇસમો વેગેનાર કારમાં આવી મહિલાએ પહેરેલ સોનાનો દોરો, વીંટી, અને બંગડી એક રુમાલમાં રાખી આ દાગીના ડબલ કરી આપવાની વાત કરી હતી. દાગીના ડબલ કરવાની લાલચમાં સીનીયર સીટીઝન મહિલાએ આશરે દોઢ લાખની કિંમતના દાગીના ઉતારીને અજાણ્યા ઈસમોના હાથમાં આપ્યા હતા. ત્યારે આ બંને ઇસમોએ આ દાગીના રુમાલમાં બાંધી સીતાપૂર્વક બીજા રૂમાલમાં બાંધેલી વસ્તુઓ મહિલાના હાથમાં આપી તેને ઘરે જઈને ખોલવાનું કહ્યુ હતું. મહિલાએ ઘરે જઇ રુમાલની પોટલી ખોલતા તેની સાથે છેતરપિંડી થઇ હોવાનું જાણવા મળ્યુ હતું. પાટણ બી ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો, જે ગુનાના સંદર્ભે જીલ્લા પોલીસવડાની સૂચના અનુસાર બી ડીવીઝન પીઆઈ શકિતસિંહ ગોહીલ સહિત સ્ટાફના માણસો દ્વારા કંટ્રોલ રુમના સીસીટીવી કેમેરાના ફુટેજ તપાસ કરતા આ વેગેનાર કાર મળી આવી હતી. દરમિયાન પોલીસે ટેકનોલોજીના આધારે સઘન તપાસ હાથ ધરતા અમદાવાદના ઠકકરબાપા નગર ખાતે રહેતા ડાભી કનૈયાલાલની મુદ્દામાલ સાથે અટકાયત કરવામાં આવી છે અને પોલીસે આ આરોપી પાસેથી છેતરપિંડીમાં ગયેલ સોનાના દાગીના, મોબાઇલ તેમજ વેગેનાર કાર મળી રુપિયા ૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સમગ્ર ઘટના અંગે એ ડીવીઝન પી.આઇ. શકિતસિંહ ગોહીલે વધુ માહિતી મીડીયા સમક્ષ આપી હતી. આ ગુનામાં સંડોવાયેલ અમદાવાદના નરોડા ખાતે રહેતા દિનેશ મારવાડીને ઝડપી પાડવાના ચક્રો પોલીસ દ્વારા ગતિમાન કરવામાં આવ્યા છે.પાટણમાં સીનીયર સીટીઝન મહિલાના દાગીના ડબલ કરી આપવાની છેતરપિંડી કરનાર એક આરોપીને બી ડીવીઝન પોલીસે ગણતરીના દિવસોમાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આ ગુનામાં સંડોવાયેલ અન્ય એક આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.


