અમદાવાદ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત બાદ ઉમેદવારોની જાહેરાત થવાની શરૂ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની પહેલાથી જ જાહેરાત કરી હતી જેમાં હવે મોટો વળાંક આવ્યો છે. આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજા જેઓ દહેગામથી ચૂંટણી લડવાના હતા તેઓ હવે ચૂંટણી નહી લડે તેની જગ્યાએ સુહાગભાઈ પંચાલ ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે હું ચૂંટણી લડવાનો નથી. ગુજરાતની ચૂંટણીમાં મને પાર્ટીએ સ્ટાર પ્રચારક તરીકે મુકવામા આવ્યો છે. ૧૦ જેટલી વિધાનસભા બેઠક પર મને જવાબદારી સોંપાઈ છે. આમ આદમી પાર્ટીએ તેમના ઉમેદવારોની ૧૨મી યાદી જાહેર કરી છે. જેમાં મોટો ફેરફાર જાેવા મળ્યો છે. હવે દહેગામ થી યુવરાજસિંહ જાડેજાની જગ્યાએ સુહાગ પંચાલનું નામ યાદીમાં જાહેર કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આજે ૭ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. અત્યાર સુધી ૧૫૧ ઉમેદવાર જાહેર કરી ચૂક્યા છે. ત્યારે વધુ ૭ સાથે ૧૫૮ ઉમેદવાર જાહેર થઈ ચૂક્યા છે.
