ડીસા
ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી દારૂની હોમ ડિલિવરીની બદી ખૂબ જ વધી ગઈ હતી. જે મામલે સ્થાનિક પોલીસ ની નિષ્ક્રિયતા અને જિલ્લા પોલીસ વડા આ મામલે મળતી વારંવાર ફરિયાદથી પાલનપુર પૂર્વ પોલીસની ટીમને એલર્ટ કરાઈ હતી. જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સૂચનાથી પાલનપુર પોલીસે ખાનગી રહે તપાસ હાથ ધરી હતી, રાત્રિના સમયે રેડ પાડવાની શરૂઆત કરી હતી. ડીસા શહેર પોલીસ ઊંઘતી રહી અને પાલનપુર પોલીસે ટુ વ્હીલર પર ગલીએ ગલીએ દારૂની હોમ ડિલિવરી કરતા આઠ બુટલેગરોને દારૂ વેંચતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસની તવાઈ જાેઈ ત્રણ બુટલેગરો નાસી છૂટવામાં સફળ રહ્યા છે. પોલીસે ૬ ટુ વ્હીલર, મોબાઈલ સહિત કુલ ૩.૭૫ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને અન્ય ફરાર ત્રણ મુખ્ય બુટલેગરોની શોધ ખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પાલનપુર પોલીસ એક જ રાતમાં અલગ અલગ જગ્યાએ રેડ કરી આઠ બુટલેગરને ઝડપી પાડતી હોય તો ડીસા શહેર પોલીસ પ્રોહીબિશન મામલે કેવી કામગીરી કરે છે તે આ ઘટના પરથી સમજી શકાય છે. હવે જિલ્લા પોલીસ વડા સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા મામલે કેવા પગલાં લેશે તેવી અટકળોને લઈ ડીસા શહેર પોલીસ અધિકારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.ડીસા શહેર પોલીસ ઉંઘતી રહી અને પાલનપુર પોલીસે બુટલેગરો પર તવાઈ બોલાવી છે. ડીસા શહેર પોલીસની નાક નીચે ખુલ્લેઆમ દારૂ વેચતા આઠ બુટલેગરોને પાલનપુર પોલીસે રંગે હાથ ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલ્યા છે. જ્યારે ત્રણ મુખ્ય બુટલેગરો ભાગવામાં સફળ રહેતા તેમની શોધ ખોળ ચાલુ છે. પાલનપુર પોલીસની સફળ રેડથી હવે ડીસા પોલીસ અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે.


