જમ્મુકાશ્મીર
જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં સોમવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર કર્યા હતા. સુરક્ષા દળો દ્વારા માર્યા ગયેલા આતંકવાદીઓમાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો ટોચનો આતંકવાદી કૈસર કોકા પણ હતો. પોલીસે આ માહિતી આપી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, સુરક્ષા દળોએ અવંતીપોરા વિસ્તારમાં વંડકપોરામાં સર્ચ ઓપરેશન શરૂ કર્યા પછી એન્કાઉન્ટર શરૂ થયું હતું. હાલમાં સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. પોલીસ પ્રવક્તાએ ટ્વીટ કર્યું કે, “આતંકવાદી કૈસર કોકા માર્યો ગયો છે. બીજા આતંકીની ઓળખ કરવામાં આવી રહી છે. યુએસ નિર્મિત રાઇફલ (સ્-૪ કાર્બાઇન), એક પિસ્તોલ અને અન્ય સામગ્રી, હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે.” અધિકારીએ જણાવ્યું કે કોકા આતંકવાદ સંબંધિત અનેક ઘટનાઓમાં વોન્ટેડ હતો. સુરક્ષા દળોને માહિતી મળી હતી કે, અવંતીપોરા વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ છુપાયા છે. આ ઈનપુટ બાદ સુરક્ષા દળોએ એક ટીમ બનાવી અને વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું. જ્યારે સુરક્ષા દળો વિસ્તારમાં પહોંચ્યા ત્યારે આતંકીઓ તરફથી ફાયરિંગ શરૂ થયું અને એન્કાઉન્ટર શરૂ થયું. સુરક્ષા દળોની જવાબી કાર્યવાહીમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.
