પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સંયુક્ત રાષ્ટ્ર સંઘે વર્ષ-૨૦૨૩ને આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. આરોગ્યપ્રદ બાજરી-જાડા અનાજ આરોગવાથી થતા લાભો અંગે વ્યાપક જનજાગૃતિ ઊભી થાય તે માટે કલેક્ટરશ્રી રચિત રાજે વર્ષ-૨૦૨૩ના પ્રારંભ પૂર્વે જ આગવા અભિગમ સાથે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે રાત્રિ ભોજન કરી આરોગ્યપ્રદ બાજરીના રોટલા અને ઓળાનો સ્વાદ માણ્યો હતો. આ સાથે કલેકટરશ્રીએ લોકોને પોષક તત્વોથી ભરપૂર બાજરી જાડા-અનાજને પોતાના આહારમાં સામેલ કરવા માટે નવીન અભિગમ સાથે સંદેશ આપ્યો છે.
કલેક્ટરશ્રીના નિવાસ્થાને આ રાત્રિ ભોજનમાં વંથલીના પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી હનુલ ચૌધરી ઉપરાંત ચીટનિસ ટુ કલેકટર, મામલતદારશ્રી ડિઝાસ્ટર, ઝોનલ અધિકારી સહિતના અધિકારીઓએ આરોગ્યપ્રદ બાજરીના રોટલાના ભોજનનો આનંદ માણ્યો હતો.
આરોગ્ય માટે બાજરીના ફાયદાઓ પણ સવિશેષ છે, બાજરીના લોટમાંથી બનાવેલ આહારમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, મેગ્નીઝ ફોસ્ફરસ, વિટામીન બી એન્ટીઓક્સીડન્ટ વગેરે જેવા ભરપૂર પોષક તત્વો હોય છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પહેલથી સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ૨૦૨૩ને આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જેથી સમગ્ર વિશ્વમાં બાજરી-જાડા અનાજને આહારમાં સામેલ કરવા માટે એક જાગૃતિ ઊભી થાય.
આમ, કલેક્ટરશ્રી રચિત રાજે પણ સૌરાષ્ટ્રના પ્રખ્યાત એવા બાજરીના રોટલા અને ઓળાનો સ્વાદ માણી લોકોને પણ પોતાના આહારમાં બાજરી અને જાડા અનાજમાંથી બનેલ આહારને પોતાના ભોજનમાં સામેલ કરવા માટે આગવી રીતે સંદેશ આપ્યો છે.


