Gujarat

પ્રથમ વન-ડેમાં ભારતનો ઈંગ્લેન્ડ વિમેન્સ સામે સાત વિકેટે વિજય

નવીદિલ્હી
ભારતીય મહિલા ટીમે રવિવારે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ વન-ડેમાં ઓલરાઉન્ડ દેખાવની મદદથી ઈંગ્લેન્ડ વિમેન્સ ટીમ સામે સાત વિકેટે ભવ્ય વિજય મેળવ્યો હતો. ઓપનર સ્મૃતિ મંધાના નર્વસ નાઈન્ટિનો શિકાર થતા ૯૧ રન પર આઉટ થઈ હતી. તેણે મજબૂત શરૂઆત કરતા ભારતની જીતનો પાયો નાંખ્યો હતો. યાસ્તિકા ભાટિયા અને કેપ્ટન હરમનપ્રીત કૌરે અડધી સદી ફટકારી હતી. ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરતા ૫૦ ઓવરમાં સાત વિકેટે ૨૨૭ રન કર્યા હતા. જવાબમાં ભારતીય વિમેન્સ ટીમે ૪૪.૨ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને ૨૩૨ રન કરી લેતા સાત વિકેટે જીત નોંધાવી હતી. ભારતના વિજયમાં બેટર્સનું મહત્વનું યોગદાન રહ્યું હતું. ઓપનર સ્મૃતિ મંધાનાએ ૯૯ બોલમાં ૯૧ રન ફટકાર્યા હતા જેમાં ૧૦ ચોગ્ગા અને એક સિક્સરનો સમાવેશ થયો હતો. શેફાલી વર્મા એક રન કરીને આઉટ થઈ હતી. યાસ્તિકા ભાટિયાએ ૪૭ બોલમાં આઠ ચોગ્ગા અને એક છગ્ગા સાથે ૫૦ રન કરતા મંધાના સાથે બીજી વિકેટ માટે ૯૬ રનની ભાગીદારી કરી હતી. મંધાના નવ રનથી સદી ચૂકી ગઈ હતી. કેપ્ટન હરમનપ્રીત કૌરે તેનો સાથ આપતા ૭૫ રન કરી અણનમ રહી હતી અને ત્રીજી વિકેટ માટે બન્નેએ ૯૯ રને ઉમેર્યા હતા. હરલીન દેઓલ છ રન સાથે નોટ આઉટ રહી હતી. ઈંગ્લેન્ડ તરફથી કેટ ક્રોસે બે વિકેટ તથા ચાર્લી ડીને એક વિકેટ મેળવી હતી. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ લીધી હતી. ભારતની વરિષ્ઠ બોલર ઝૂલન ગોસ્વામી તેની આંતરાષ્ટ્રીય કારકિર્દીની અંતિમ વન-ડે સિરીઝ રમી રહી છે અને તેણે ઈંગ્લેન્ડ વિમેન્સ સામેની પ્રથમ વન-ડેમાં સચોટ દેખાવ કર્યો હતો.

File-01-Page-29.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *