કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અમારા જેવા ગરીબ માણસો માટે આશિર્વાદરૂપ યોજના છે એમ છોટાઉદેપુર તાલુકાના તેજગઢ ગામના લાભાર્થી વિઠ્ઠલભાઇ હરિજને જણાવ્યું હતું.
સરકાર દ્વારા છેવાડાના માનવીનો સર્વાંગી વિકાસ થાય એ માટે અનેકવિધ કલ્યાણલક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લઇ નાગરિકોનું જીવનધોરણ ઉંચું આવ્યું છે.
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની મહત્વાકાંક્ષી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાથી કરોડો લોકો રૂપિયા પાંચ લાખ સુધીની કેશલેસ સારવારનો લાભ મેળવી રહ્યા છે. આ યોજનાથી કરોડો લોકોનો જીવ બચાવવામાં સફળતા મળી છે.
છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકાના તેજગઢ ગામે રહેતા વિઠ્ઠલભાઇ હરિજન કે જેઓ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થી છે તેઓ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, હું સારા માઠા પ્રસંગે ઢોલ વગાડી મારા પરિવારનું જીવન ગુજરાન ચલાઉં છું. હું એક વખતે દેવળિયા ખાતે ઢોલ વગાડવા ગયો હતો ત્યાં મને હ્રદય રોગનો હુમલો આવ્યો હતો. મારા પરિવારને જાણ કરતા તેઓ મને બોડેલીની સુખી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા.
સુખી હોસ્પિટલમાં ચાર પાંચ દિવસ રહ્યા બાદ મને ઓપરેશન માટે રૂા. એકથી દોઢ લાખનો ખર્ચ થશે એમ જણાવ્યું હતું. ત્યાં જ તેમણે મને જો તમારી પાસે આયુષ્માન ભારત કાર્ડ હોય તો તમને વિનામૂલ્યે સારવાર મળી રહેશે એમ જણાવ્યું હતું.
વાતનો દોર આગળ ચલાવતા વિઠ્ઠલભાઇએ જણાવ્યું હતું કે, મેં આયુષ્માન ભારત યોજના હેઠળ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું કાર્ડ તાત્કાલિક કઢાવી લીધું અને મારા પરિવારજનો મને પારૂલ સેવાશ્રમ હોસ્પિટલ, વડોદરા ખાતે લઇ ગયા જયાં મારી સારવાર કરવામાં આવી હતી. પારૂલ સેવાશ્રમ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે મારા હ્રદયમાં બલુન મુકી આપવામાં આવ્યું હતું.
પારૂલ સેવાશ્રમ હોસ્પિટલના ડૉકટરો તેમજ ત્યાંના કર્મચારીઓનો પણ સારો સહયોગ મળી રહ્યો હતો. ડૉકટરોની ઉમદા સારવારને કારણે હું આજે તમારી સમક્ષ ઉભો છું એમ જણાવી તેમણે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને આવી સરસ યોજના શરૂ કરવા બદલ તેમણે આભાર વ્યકત કર્યો હતો.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

