નિરંકારી સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજ
નિરંકારી આધ્યાત્મિક સ્થળ,સમાલખા(હરીયાણા)ના વિશાળ મેદાનો ખાતે આયોજીત પાંચ દિવસીય ૭૫મા વાર્ષિક નિરંકારી સંત સમાગમના સમાપન સત્રમાં દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં પધારેલ વિશાળ માનવ પરીવારને સંબોધન કરતાં નિરંકારી સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજે કહ્યું હતું કે પોતાને શાંતિ અને પ્રેમનું સ્વરૂપ બનાવીને સમગ્ર સંસારમાં આ દિવ્ય ભાવોને ફેલાવવાના છે.
નિરંકારી સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજના આર્શિવચનો દ્વારા પ્રેમ,શાંતિ અને માનવતાના દિવ્ય સંદેશ પ્રસારીત કરવાવાળા આ પાંચ દિવસીય સમાગમનું આજે સફળતાપૂર્વક સમાપન થયું હતું. સમાગમના પાંચ દિવસ દરમ્યાન સંત નિરંકારી આધ્યાત્મિક સ્થળનું પ્રાંગણ શ્રદ્ધા,ભક્તિ,પ્રેમના પ્રકાશ પૂંજથી દિપ્તિમાન થઇ રહ્યું હતું.અધ્યાત્મના આ પાવન અને સુંદર ઉત્સવ પર દરેક ભક્તોનું હ્રદય આનંદ વિભોર થઇ રહ્યું હતું.સંત સમાગમમાં સહભાગી થયેલ શ્રદ્ધાળુઓના ચહેરા ઉપર શાંતિ,સંતુષ્ટિ તથા ખુશીની ચમક દેખાઇ રહી હતી.
શાંતિ અને સુખ-ચૈનના સંદેશની મહત્તા સમજાવતાં સદગુરૂ માતાજીએ કહ્યું કે આ સંદેશ બીજાને આપતાં પહેલાં અમારે પોતે તેને જીવનમાં કર્મરૂપમાં ધારણ કરવાનો છે.કોઇ બીજાના પ્રત્યે મનમાં વેર-ઇર્ષાનો ભાવ ના રાખતાં તમામના પ્રત્યે સહનશીલતા અને નમ્રતા જેવા ગુણોને અપનાવીને તમામના માટે પ્રેરણાસ્ત્રોત બનવાનું છે.
ગાંધી ગ્લોબલ ફેમિલી દ્વારા સંત નિરંકારી મિશનના વડાને આપવામાં આવેલ “વિશ્વ શાંતિદૂત સન્માન’’ વિશે પોતાનો ભાવ પ્રગટ કરતાં સદગુરૂ માતાજીએ કહ્યું હતું કે આ ઉપલબ્ધિ એવા સંતોની દેન છે કે જેમને આ પ્રભુ પરમાત્માને જાણીને એકત્વના સૂત્રમાં બંધાયા હતા.જ્યાંસુધી અમે આ પરમાત્માની ઓળખાણથી અનભિજ્ઞ હતા ત્યાંસુધી અમે સૌ એકબીજાથી અલગ હતા પરંતુ બ્રહ્મજ્ઞાનના દ્વારા જ્યારે અમોને બોધ થયો કે અમે સૌ આ પરમપિતાના સંતાન છીએ,તેના જ અંશ છીએ ત્યારે અમારા હ્રદયમાં પરોપકારના દિવ્ય ગુણોનો સમાવેશ થયો.સંસારમાં નિરંકારી મિશનની શાંતિ અને એકત્વની પાવન છબી બનેલી છે તેમાં મિશનના દરેક સંતનું બહુમૂલ્ય યોગદાન છે.
સંત સમાગમના ઇતિહાસને પ્રદર્શિત કરનારી દ્દકશ્રાવ્ય ડોક્યુમેન્ટરી સંત સમાગમના અવસર પર ત્રણ ભાગોમાં શ્રદ્ધાળુઓને બતાવવામાં આવી હતી.આ ડોક્યુમેન્ટરી દ્વારા સંત સમાગમોનો ૭૫ વર્ષોનો ગૌરવપૂર્ણ ઇતિહાસ દર્શાવવામાં આવ્યો હતો કે સંત સમાગમોનું પ્રારૂપ શરૂઆતમાં કેવું રહ્યું હતું અને વર્તમાન સમયમાં તેનું વિસ્તરણ કેવી રીતે થયું છે,સાથે સાથે મિશનના પૂર્વ સદગુરૂઓ તથા સંતોએ જે અમૂલ્ય યોગદાન આપ્યું તેને પણ આ ડોક્યુમેન્ટરી દ્વારા દર્શાવવામાં આવ્યું હતું જેને જોઇને ત્યાં ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુ ભક્તો ખુબ પ્રભાવિત થયા હતા.
આ સંત સમાગમનું ૬૦૦ એકર ક્ષેત્રમાં ફેલાયેલા સંત નિરંકારી આધ્યાત્મિક સ્થળના વિશાળ મેદાનોમાં આયોજન કરવામાં આવ્યું હતું.સંત સમાગમમાં વિભિન્ન સેવાઓ નિભાવવા મંડળના અનેક વિભાગોના સેવાદારો ઉપરાંત ૧,૫૦,૦૦૦ સેવાદળના ભાઇ-બહેનો સમાગમ સ્થળ ઉપર સેવા કરવા માટે પોતાનું યોગદાન આપ્યું હતું.
સ્વાસ્થ્ય સેવાઓ માટે સમાગમ સ્થળ ઉપર પાંચ એલોપેથિક અને ચાર હોમિયોપેથિક દવાખાના ઉભા કરવામાં આવ્યા હતા.તે સિવાય ૧૪ પ્રાથમિક ચિકિત્સા કેન્દ્ર,એક કાયરોપ્રેકટિક ચિકિત્સા પદ્ધતિ શિબિર તથા ચાર એક્યુપ્રેશર/ફિજીઓથેરાપી સુવિધા કેન્દ્ર બનાવવામાં આવ્યા હતા.સમાગમ સ્થળ ઉપર સંત નિરંકારી મંડળ દ્વારા ૧૨ તથા હરિયાણા સરકાર દ્વારા ૨૦ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી હતી.
સંત સમાગમમાં સુરક્ષા વ્યવસ્થા માટે હરિયાણા સરકારના સહયોગથી ૫૦ ચેકપોસ્ટ બનાવવામાં આવી હતી, સાથે સાથે નિરંકારી મિશનના સેવાદાર દિવસ-રાત ટ્રાફિક કન્ટ્રોલની સેવામાં કાર્યરત હતા.સંત સમાગમમાં આવવા-જવાની વ્યવસ્થા માટે સ્થાનિક સરકાર અને ભારતીય રેલ્વેએ નિયમિત આવાગમનની યાત્રા માટે દિલ્હીના આનંદ વિહાર,હજરત નિજામુદ્દીન તથા જુની દિલ્હી રેલ્વે સ્ટેશન ઉપર ભક્તોને ઉચિત સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હતી.સમાગમ સ્થળ નજીક ભોડવાલ માજરી રેલ્વે સ્ટેશન ઉપર સામાન્ય દિવસોએ ઉભી ના રહેતી તમામ ટ્રેનોને સમાગમના સમયગાળા દરમ્યાન રેલ્વે વિભાગ દ્વારા સ્ટોપેજ આપવામાં આવ્યું હતું.
સમાગમમાં આવેલા તમામ શ્રદ્ધાળુ ભક્તોના માટે સમાગમના ચારેય મેદાનોમાં ભોજનની ઉચિત વ્યવસ્થા કરવામાં આવી હતી.તેના સિવાય સમાગમ સ્થળ ઉપર બાવીસ કેન્ટીનો ખોલવામાં આવી હતી જેમાં સસ્તા દરે ચા-ર્કોફી,ઠંડાપીણા અને અન્ય ખાદ્ય સામગ્રી ઉપલબ્ધ કરવામાં આવી હતી.
સમાગમ સ્થળ ઉપર સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું હતું તેના માટે ભોજનને પ્લાસ્ટીકના બદલે સ્ટીલની થાળીમાં પિરસવામાં આવ્યું હતું જેથી વાતાવરણની શુદ્ધતા અને સ્વચ્છતા જળવાઇ રહે અને સમાગમનું સુંદર સ્વરૂપ બનેલું રહે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)


