માત્ર ૨૪ વર્ષની ઉંમરે કુ. મનસ્વી ઉનડકટે સમાજમાં આત્મનિર્ભરતાનો દાખલો બેસાડ્યો છે. જૂનાગઢ આઈ.ટી.આઈ. ખાતેથી ફેશન ડિઝાઇનીંગ એન્ડ ટેકનોલોજીના એક વર્ષના અભ્યાસ બાદ જૂનાગઢ જેવા નાના શહેરમાં ફેશન ડિઝાઇનિંગ ક્ષેત્રે નવી રાહ કંડારી છે. મનસ્વી આજે ઘર બેઠા લોકોના પ્રસંગોનુરૂપ કપડા-ગારમેન્ટ ડિઝાઈન કરી આપે છે. સાથે જ ડ્રોઈંગ ક્લાસીસ ચલાવી ઠીકઠાક કમાણી કરી રહી છે.
મનસ્વી કહે છે કે, નાનપણથી ડ્રોઈંગનો શોખ હતો. ફેશન ડિઝાઈનર બનવા માટે પ્રોફેશનલ ડિગ્રી પણ લેવા માંગતી હતી. પરંતુ સંજોગોવસાત આ શક્ય ન બન્યું. પરંતુ જૂનાગઢ આઈ.ટી.આઈ. ખાતે ફેશન ડિઝાઇનિંગ એન્ડ ટેકનોલોજીનો એક વર્ષનો અભ્યાસ કરીને મારા સપનાઓ સાકાર થયા છે. આજે હું લગ્ન જેવા શુભ પ્રસંગો માટે ઓર્ડર મુજબ કપડા ગારમેન્ટ ડિઝાઈન કરી આપું છું. સાથે જ ડ્રોઈંગ માટેના ક્લાસીસ પણ ચલાવું છું. આમ, ઠીકઠાક આવક મેળવી રહી છું અને પરિવારમાં પણ આર્થિક રીતે મદદરૂપ બની શકું છું.
મનસ્વી જણાવે છે કે, ફેશન ડિઝાઈનિંગના વ્યવસાયના કારણે આજે સમાજમાં મને એક નવી ઓળખ મળી છે હવે લોકો મને ફેશન ડિઝાઈનર તરીકે ઓળખે છે. તેનો આનંદ વ્યક્ત કરતા મનસ્વી ઉમેરે છે કે, હાલ તો વોટ્સએપ અને સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રસંગોનું રૂપ કપડા-ગારમેન્ટ ડિઝાઈનના ઓર્ડર મેળવું છું અને વર્ષમાં ૨૫ થી ૩૦ જેટલા ઓર્ડર મળી રહે છે.
મનસ્વીએ જણાવ્યુ કે બી.કોમ. ના બીજા વર્ષમાં સંજોગો વસાત ડ્રોપ લેવો પડ્યો હતો ત્યારબાદ ફેશન ડિઝાઇનના ક્ષેત્રમાં આગળ વધવાનું નક્કી કર્યું. જેથી જૂનાગઢ આઈ.ટી.આઈ. ખાતે એક વર્ષના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યો હતો. અહીંયા થીયરીની સાથે પ્રેક્ટીકલ નોલેજ ઉપર પણ ખૂબ ભાર આપવામાં આવે છે. જે મને ખૂબ કામ લાગ્યું. ખાનગી કોલેજમાં આ અભ્યાસક્રમ માટે બે થી ત્રણ વર્ષ લાગતા હતા પરંતુ અહીંયા એક વર્ષમાં ફેશન ડિઝાઇનિંગના તમામ પાંસાઓ આવરી લેવામાં આવતા હતા. ઉપરાંત ક્વોલિફાઇડ શિક્ષકો અને આચાર્યશ્રી એ આગળ વધવા માટે પૂરતો સહકારની સાથે પ્રોત્સાહન આપ્યું હતું.
કુ. મનસ્વી ઉનડકટને નાની ઉંમરે સ્વગારી મેળવવાની આ સિદ્ધિને નારી વંદન ઉત્સવ અંતર્ગત જૂનાગઢ ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણીના પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ શાંતબાબેન ખટારિયા, મેયર શ્રીમતિ ગીતાબેન પરમારના હસ્તે સન્માનિત કરાવામાં આવ્યાં હતી.

