વડોદરા
બોલિવુડ સિંગર બપ્પી લહેરીનું અવસાન થયું છે. જેને લઇને બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝને મોટી ખોટ પડી હોવાની લાગણી લોકો અનુભવી રહ્યા છે. ત્યારે વડોદરાના યુવા એન્ટરપ્રેન્યોર દિવ્યાંગ ગાંધીએ ગત વર્ષે બપ્પી લહેરીના મુંબઇ સ્થિત નિવાસ સ્થાને તેમની મુલાકાત કરી હતી. દિવ્યાંગ ગાંધીએ કહ્યું કે, બપ્પી લહેરી કહેતા કે હું જ્યારે ગુજરાત આવું ત્યારે મને પોઝિટિવ વાઇબ્સ (સકારાત્મક પ્રેરણા) મળે હતા. બપ્પીદા ઝાકમઝોળ વાળી ઇન્ડસ્ટ્રીમાં પોતાનું અલગ વ્યક્તિત્વ ધરાવતા હતા. તેમની ખોટ હંમેશા બોલીવુડમાં સાલશે. વડોદરાના દિવ્યાંગ ગાંધી વર્લ્ડ બુક ઓફ લંડનના ગુજરાતમાં વાઇસ પ્રેસિડેન્ટ, તરીકે હોદ્દો ધરાવે છે. બોલિવુડના જાણીતા સિંગર બપ્પી લહેરી વર્લ્ડ બુક ઓફ લંડનના એમ્બેસેડર હતા. સંસ્થાગત કામગીરી અંગે ગત વર્ષે કોરોનાની બીજી લહેર જ્યારે શાંત થઇ રહી હતી તે દરમિયાન દિવ્યાંગ ગાંધી બપ્પી લહેરીના મુંબઇ સ્થિત નિવાસ સ્થાને મળ્યા હતા. આજે બપ્પીદાના દેહાંત બાદ તેઓ તેમના સંસ્મરણો વાગોળી રહ્યા છે. બપ્પી દા સાથેની મુલાકાત અંગે દિવ્યાંગ ગાંધીએ વાત કરતા જણાવ્યું કે, હું રાત્રિના સમયે બપ્પીદાના ઘરે મળવા ગયો હતો. તેમના ઘરમાં પ્રવેશતા જ ચોતરફ તેમના એવોર્ડ અને તેમના ફોટોઝ જાેવા મળતા હતા. દિવાલનો એક પણ ખુણો એવો નહીં હોય જ્યાં દિવાલ જાેવા મળી હશે. ત્યાર બાદ તેમની સાથે વાત શરૂ થઇ હતી. તેમની સાથેની પ્રથમ મુલાકાતમાં જ તેઓ કેટલા સરળ સ્વભાવના વ્યક્તિ છે તેનો અહેસાસ થઇ ગયો હતો. તેમની સાથે આશરે કલાક જેટલો સમ પસાર કર્યો હતો. વધુમાં દિવ્યાંગ ગાંધીએ જણાવ્યું કે, ગુજરાત અંગે બપ્પી દા એ કહ્યું કે, ગુજરાતમાં આવું ત્યારે મને પોઝિટિવ વાઇબ્સ આવે છે. સામાન્ય રીતે કોઇ સેલિબ્રિટીને મળો તો તેમનો સમય પતી ગયા બાદ તમને રવાના કરી દેતા હોય છે. પરંતુ બપ્પી દાનું તો તેનાથી ઉલટું હતું. તેઓ માનતા કે જેટલો ટાઇમ સાથે રહેશો તો ગમશે. ત્યાર બાદ સંસ્થાકીય વાતો કરીને અમે છુટા પડ્યા હતા.


