અમદાવાદ
આજકાલ વિમાન દુર્ઘટનાઓ અવારનવાર સાંભળવા મળતી હોય છે, ત્યારે એવી જ એક ઘટના બની હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદથી ચંડીગઢ જઇ રહેલી એક ફ્લાઇટથી પક્ષી અથડાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. જે બાદ ફ્લાઇટને ડાયવર્ટ કરવામાં આવી છે. ડીજીસીએ અનુસાર, ગો ફર્સ્ટની ફ્લાઇટે આજે ૪ ઓગસ્ટે અમદાવાદથી ચંડીગઢ જઇ રહી હતી, ત્યારે બર્ડ હિટની ઘટના સામે આવતાં તેને પાછી અમદાવાદ માટે ડાયવર્ટ કરવામાં આવી છે. આ પહેલા જૂનમાં પટનાથી દિલ્હી અને દિલ્હીથી ગુવાહાટી જઇ રહેલી ફ્લાઇટની પણ ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવી હતી. આ બન્ને વિમાનોમાં બર્ડ હિટને કારણે ટેકનીકલ સમસ્યા સર્જાઇ હતી. જે બાદ વિમાનને ઉડાન બાદ લેન્ડ કરાવવી પડી. પ્રથમ ઘટના પટનાથી દિલ્હી જઇ રહેલી ફ્લાઇટ સાથે થઇ હતી. જે સ્પાઇસજેટનું વિમાન હતું. બપોરે તેણે પટનાથી ઉડાન ભરી હતી અને થોડા સમય બાદ તેના એન્જિનમાં આગ લાગી હતી. પક્ષી ટકરાતા એન્જિનમાં આગ લાગી હતી. જે બાદ પટના એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવી હતી. વિમાનમાં ૧૮૫ મુસાફરો સવાર હતા. જાે કે, કોઇને યાત્રીને નુકસાન પહોંચ્યું નહોતું. બીજી ઘટના દિલ્હીથી ગુવાહાટી જઇ રહેલા વિમાન સાથે બની હતી. તે ઇન્ડિગોની ફ્લાઇટ હતી. આ ફ્લાઇટ ૧૬૦૦ ફૂટની ઉંચાઇ પર હતી, ત્યારે જ તેના એન્જિન સાથે પક્ષી ટકરાવ્યું હતું. જે બાદ વિમાનને દિલ્હી એરપોર્ટ પર પરત બોલાવવામાં આવ્યો હતો.

