સુજલામ સુફલામ યોજના અંતર્ગત ચેકડેમથી લગભગ ૨ કિલોમીટર દૂર રેતી ખનનની વહીવટી તંત્ર દ્વારા મંજૂરી સામે ગ્રામજનોનો વિરોધ
બોડેલી તાલુકાનાં નાના અમાદરા ખાતે વહીવટી તંત્ર દ્વારા ચેકડેમથી બે કિલોમીટર દૂર મંજૂરી આપતા સ્થાનિક ગ્રામજનોએ તેનો વિરોધ કરી ખનન બંધ કરાવી દીધું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ હાલ છોટા ઉદેપુર જીલ્લામાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત ઘણી જગ્યાએ કામ ચાલી રહ્યા છે. જેના ભાગરૂપે ચેકડેમ ડીસીલ્ટિંગ, તળાવ ઊંડા કરવાના કામો ચાલે છે. જેમાં બોડેલી તાલુકાનાં નાના અમાદરા, છત્રાલી, મોટા અમાદરા, સડધરી ખાતે ઉચ્છ નદીમાં રેતી ખનન વહીવટી તંત્ર ચેકડેમથી લગભગ બે કિલોમીટર દૂર મંજૂરી આપી છે. જેને લીધે સ્થાનિક ગ્રામજનો ગુસ્સે ભરાયા હતા અને નદીના પટમાં જઈને રેતી ખનન બંધ કરાવી દીધું હતું. ગ્રામજનો દ્વારા વહીવટી તંત્ર દ્વારા ખોટી રીતે ખોટી જગ્યાએ મંજૂરી આપી હોવાના આક્ષેપ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો.
મોટા અમાદરાની સીમમાં વર્ષો જૂનો ચેકડેમ આવેલો છે, જે હાલ જરજરીત હાલતમાં છે. જેના સ્ત્રાવ વિસ્તારમાં ચેકડેમથી બે કિલોમીટર દૂર વહીવટી તંત્ર દ્વારા ડીસીલ્ટિંગનું કામ મંજૂર કરાયું છે. જેને લઈને અનેક સવાલો ઊભા થાય છે. ખરેખર પહેલા ચેકડેમ રીપેરીંગ કરાય તો લોકોને ફાયદો થાય તેમ છે.
ગ્રામજનો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે અમારા ગામની નદીમાં રેતીનું ખનન થાય છે તેની અમને કોઈ જાણ કરી નથી, જ્યારે આ લોકો અહી આવ્યા ત્યારે જ અમને ખબર પડી, જ્યાં સુધી તપાસ નહિ થયા ત્યાં સુધી રેતી ખનન બંધ રાખવા કહ્યું છે. અહિયાથી ચેકડેમ બે થી અઢી કિલોમીટર દૂર હશે, વારીગૃહમાથી લાઇટ કનેક્શન લીધું છે તે પણ મારી જાણમાં નથી તેમ આ વિસ્તારના ગ્રામજનો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


