અમદાવાદ
અમદાવાદના નરોડા રેલવે ઓવરબ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટર રાજકમલ બિલ્ડર્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડને વિવિધ માલ સામાનમાં ભાવ વધારો અને બીટયુમીનના ભાવ તફાવતના નામે રૂ. ૧૦.૫૦ કરોડ વધુ ચૂકવવાની દરખાસ્ત ભાજપના સત્તાધીશોએ મંજુર કરી દીધી છે. રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈ દ્વારા આ કામને મંજૂરી આપવામાં આવી હતી. રૂ. ૮૯.૧૨ કરોડના ખર્ચે જ આ રેલવે ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ થઈ છે. પરંતુ પાછળથી સરકારના માર્ગ અને મકાન વિભાગના પત્ર મુજબ તેમજ આરબીઆઈ ઇન્ડેક્સ મુજબ લેબર સ્ટીલ પેમેન્ટ અને બીટ્યુમીનના ભાવ તફાવત, તેમજ પેટ્રોલિયમ પ્રાઈસ વેરીએશનના કુલ રૂ. ૧૦.૫૦ કરોડ ચૂકવવા હવે કોર્પોરેશને દરખાસ્ત મુકતા વિવાદ સર્જાયો છે. કોન્ટ્રાક્ટરને પાછળથી ફાયદો કરાવવા માટેની આ દરખાસ્તને લઈ ચર્ચાનો વિષય બન્યો છે. નરોડા વિસ્તારમાં અમદાવાદ હિંમતનગર રેલ્વે લાઈન ઉપર ઓવરબ્રિજ બનાવવા માટે રેલવે પોરશન અને અન્ય પોષણ પર ડિઝાઇન મુજબ ટેન્ડર કરી અને રાજકમલ બિલ્ડર્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જેમાં મૂળ ટેન્ડરની રકમ રૂ. ૮૯.૧૨ કરોડની મર્યાદામાં બ્રિજ બનાવવાનો હતો. રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગના પત્ર અને એપ્રિલ ૨૦૨૨માં મ્યુનિસિપલ કોર્પોરેશનની કમિટીના ઠરાવ મુજબ વિવિધ માલ સામાનના ભાવ વધારા અને બિટ્યુમિનના ભાવ તફાવતની રકમ રૂ. ૪.૪૩ કરોડ સાથે કુલ ૯૩.૬૯ રોડની મર્યાદામાં આ બ્રિજને બનાવવાની મંજૂરી આપી દેવામાં આવી હતી. પાછળથી હવે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને ભાજપના સત્તાધીશોએ આરબીઆઈ ઇન્ડેક્સ મુજબ લેબર સ્ટીલ પેમેન્ટ અને બીટ્યુમીનના ભાવ તફાવત, તેમજ પેટ્રોલિયમ પ્રાઈસ વેરીએશનના કુલ રૂ. ૬.૦૫ કરોડ મળી કુલ ૧૦.૫૦ કરોડની રકમના ચૂકવવાની દરખાસ્ત રોડ અને બિલ્ડીંગ કમિટીમાં લાવવામાં આવી હતી. નરોડા રેલવે ઓવર બ્રિજને રૂ. ૮૯.૧૨ કરોડમાં તૈયાર કરવામાં આવનાર હતા પરંતુ ભાવ વધારાના નામે હવે કોન્ટ્રાક્ટર રાજકમલ બિલ્ડર્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડને ફાયદો કરાવવા માટે પાછળથી રકમ ચૂકવવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવતા ભાજપના સત્તાધીશો અને અધિકારીઓ સામે સવાલ ઉભા થઈ રહ્યા છે. કોન્ટ્રાક્ટરને આ રકમ ચૂકવવા બ્રિજના ડિઝાઇન કન્સલ્ટન્ટને પણ રિવાઈઝ અંદાજ ની અંદર પેમેન્ટ કરવામાં આવશે જેથી ૮૦૦ મીટરનો બ્રિજ હવે રૂ.૧૦૦ કરોડમાં પડશે.


