Gujarat

ભાલેજમાં કરિયાણાની દુકાનમાંથી ૧ હજાર કિલો સરકારી અનાજ પકડાયું

આણંદ
રાજય સરકાર દ્વારા જરૂરિયાતમંદ લાભાર્થીઓને સમયસર અનાજ મળી રહે તે માટે સરકાર માન્ય વાજબી ભાવની દુકાનો મારફતે અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સરકારના આવા અનાજની કાળાબજારી અટકે તે માટે જિલ્લાના પુરવઠા તંત્રને સઘન ચેકીંગ હાથ ધરી આવા સરકારી અનાજની હેરફેર કરનાર તત્વોને ઝડપી લઇ તેઓની વિરૂધ્ધ કાયદેસરના પગલાં ભરવા કલેકટર મનોજ દક્ષિણીએ સૂચના આપી હતી. જે સંદર્ભે જિલ્લા પુરવઠા કચેરી, આણંદના પુરવઠા નિરીક્ષકો તથા તેમની ટીમ દ્વારા મળેલી બાતમીના આધારે ઉમરેઠ તાલુકાના ભાલેજ ગામે આવેલી તવક્કલ કિરાણા સ્ટોરની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન દુકાનમાંથી સરકારનો સબસીડી યુકત અનાજનો જથ્થો મળી આવ્યો હતો. ભાલેજ ખાતે આવેલી ખાનગી કરિયાણાની દુકાન તવક્કલ સ્ટોરની તપાસ દરમિયાન ૧૮ કટ્ટા ચોખાના તથા ૪ કટ્ટા ઘઉંના મળી આવ્યા હતા. આ ચોખા-ઘઉંના કટ્ટાની કિરાણા સ્ટોરના માલિક દ્વારા હાજર સ્ટોકની ખરીદી કયાંથી કરવામાં આવી છે ? તે બાબતે સંતોષજનક જવાબ આપી શક્યો નહોતો. આથી, દુકાનમાંથી મળી આવેલા ચોખાના કટ્ટા ૧૮ તથા ઘઉંના કટ્ટા ૪ સરકાર દ્વારા સરકાર માન્ય વાજબી ભાવની દુકાનો મારફતે વિતરણ કરવામાં આવતું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઇ આવતાં કુલ-૨૨ કટ્ટા કે જેનું વજન ૧૧૩૫ કિલોગ્રામ કિંમત રૂ. ૧૮,૪૯૨ થાય છે, તે મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો. વધુમાં જિલ્લા પુરવઠા અધિકારીએ આ બાબતે કસુરવાર સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ કાયદેસરના પગલાં લેવા કલેક્ટરને રિપોર્ટ કરવામાં આવ્યો હતો.ઉમરેઠના ભાલેજ ગામે આવેલી તવક્કલ કિરાણા સ્ટોરમાં જિલ્લા પુરવઠા અધિકારીએ બાતમી આધારે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં સ્ટોરમાંથી ૧૧૩૫ કિલો સરકારી ચોખા, ઘઉંનો જથ્થો મળી આવ્યો હતો. આ અંગે દુકાનદાર પાસે કોઇ આધાર પુરાવા મળી આવ્યાં નહતાં. જેથી જિલ્લા પુરવઠા અધિકારીએ માલ – સામાન સિઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

File-02-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *