ભાવનગર
ભાવનગરના સિહોર ખાતે ખારા કુવા ચોક વિસ્તારમાં રહેતા હર્ષદ નવીનચંદ્ર શાહની પુત્રી બેલાબેન ઉ.વ.૩૪ની આજે સવારે તેના રૂમમાંથી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ બનાવ અંગે પોલીસને જાણ કરાતા પી.આઈ કે.ડી. ગોહિલ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત એફએસએલને પણ બોલાવાઈ હતી. પોલીસે જરૂરી તપાસ કરી કાગળો તૈયાર કરી લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી હતી. પોલીસે પરિવારના સભ્યો સહિત આસપાસનાં લોકોની પુછપરછ હાથ ધરી બનાવનો ભેદ ઉકેલવા કવાયત શરૂ કરી હતી. આ દરમિયાન મૃતક યુવતીના પિતાની પૂછપરછ કરતા તેમણે કબૂલ્યું કે, આજે સવારે તેમની મોટી પુત્રીને જગાડવા ગયા હતા. ત્યારે તેની સાથે ઝગડો થયો હતો. જેથી લોખંડનો દસ્તો માથામાં મારી હત્યા કરી નાખી હતી. સિહોરમાં પાન મસાલાનો ગલ્લો ધરાવતા હર્ષદ નવીનચંદ્ર શાહની પુત્રી બેલાબેનનાં અગાઉ ભાવનગર તથા મહુવામાં બે વખત લગ્ન થયા હતા અને બન્ને જગ્યાએથી છુટાછેડા પણ થઈ ગયા છે. બેલાબેનને લગ્ન જીવનમાં ૧૦ વર્ષનો જૈમન નામનો પુત્ર છે જે તેની સાથે જ રહે છે. મૃતક બેલાબેનના ભાઈ મૌલિકે સિહોર પોલીસ સ્ટેશનમાં તેના પિતા હર્ષદ નવીનચંદ્ર શાહ વિરૂદ્ધ બહેનની હત્યા કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૩૦૨ તથા ૧૩૫ મુજબ ગુનો નોંધી હર્ષદની ધરપકડ કરી છે.ભાવનગર જિલ્લાના સિહોર ખાતે ખારા કુવાચોકમાં રહેતી મહિલાની માથામાં બોથડ પદાર્થનાં ઘા ઝીંકી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. જેને લઈ ચકચાર મચી છે. આ બનાવની જાણ થતા સિહોર પી.આઈ. સહિતનો કાફલો ઘટનાં સ્થળે દોડી ગયો હતો. આ ઉપરાંત એફએસએલ તથા ડીવાયએસપી પણ ઘટનાં સ્થળે દોડી ગયા હતા. પોલીસે પૂછપરછ હાથ ધરતા મહિલાની હત્યા તેના પિતાએ જ કરી હોવાનું સામે આવ્યું હતું. પુત્રી સાથે ઝગડો થતા પિતાએ લોખંડનો દસ્તો માથામાં મારી હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
