ભાવનગર
ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં રહેતા એક યુવાને તેના ફોઈના દિકરા પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા. જેની ફોઈના દિકરાએ પઠાણી ઉઘરાણી કરી મામાના દિકરાને તલવારથી હુમલો કર્યો હતો. તેમજ અન્ય લોકોની સાથે મળી માર માર્યો હતો. જેથી મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આ સમગ્ર બનાવ અંગે ડી-ડીવીઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના પરા વિસ્તારમાં આવેલા હાદાનગર સ્થિત સત્યનારાયણ સોસાયટી-૧ માં આવેલા પ્લોટનં-૪૩ રહેતા અને ડ્રાઈવિંગના વ્યવસાય સાથે સંકળાયેલા હિરેન રાજેશ ધારૈયા ઉ.વ.૨૩ એ આજથી નવેક માસ પૂર્વે તેના ફોઈના દિકરા કેતન પાસેથી ઉછીના રૂપિયા ૩૦ હજાર લીધા હતાં. હાલમાં પૈસાની જાેગવાઈ થઈ શકે તેમ નથી થોડા સમયમાં પરત કરી દેશે. જેને લઈ ઉશ્કેરાયેલા કેતને ગાળો આપતાં હિરેને ગાળો દેવાની ના પાડી હતી જેથી મામલો બિચક્યો હતો. કેતન તેની પત્ની કિંજલબેન, હિનાબેન, જેસિંગભાઈ અને જીતુભાઈએ એકસંપ રચી હિરેન પર તલવાર વડે હુમલો કર્યો હતો. તેમજ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી નાસી છુટ્યા હતાં. આ અંગે ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં તેણે ફોઈના દિકરા સહિત પાંચ વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


