Gujarat

મતદાર વિસ્તાર સિવાયના રાજકીય પદાધિકારીઓ અને ચૂંટણી પ્રચારકોએ ૩જી, ડિસેમ્બરના રોજ ૦૫:૦૦ કલાક બાદ છોટાઉદેપુર જિલ્લો છોડી દેવો   

આગામી તા. ૦૫મી, ડિસેમ્બરના બીજા તબકકા દરમિયાન યોજાનારી છોટાઉદેપુર જિલ્લાની ત્રણ વિધાનસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી સુનિશ્ચિત કરવા, શાંતિ અને સલામતિ જાળવવા તેમજ ચૂંટણી મુકત, ન્યાયી અને પવિત્ર રીતે થાય તે માટે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૨૬ હેઠળ મતદાન પુરૂં થવા માટે નિયત થયેલ સમય સાથે પુરા થતા ૪૮ કલાકના સમયગાળામાં ચૂંટણી પ્રચાર બંધ કરવાની જોગવાઇ કરવામાં આવી છે. જેને અનુલક્ષીને છોટાઉદેપુર જિલ્લા મેજીસ્ટ્રેટ સુશ્રી. સ્તુતિ ચારણે જાહેરનામું બહાર પાડી ચૂંટણી પ્રચારનો સમયગાળો પુરો થાય તે પછી મતદાર વિસ્તાર સિવાયના રાજકીય પદાધિકારીઓ, તથા કાર્યકરો અને ચૂંટણી પ્રચારકોને મતવિસ્તાર છોડી દેવા કહ્યું છે.
 જાહેરનામામાં જણાવ્યા અનુસાર ચૂંટણી પ્રચારના સમયગાળા દરમિયાન છોટાઉદેપુર જિલ્લાના વિધાનસભા મત વિસ્તારમાં જે તે મતદાર વિસ્તાર સિવાયના બહારના વિસ્તારના રાજકીય પદાધિકારીઓ, પક્ષના કાર્યકરો, સરઘસ કાઢનારાઓ અને ચૂંટણી પ્રચારકો આવેલા હોય તેઓએ પ્રચારના અંત એટલે કે તા. ૦૩/૧૨/૨૦૨૨ના રોજ ૦૫:૦૦ વાગ્યા બાદ છોટાઉદેપુર જિલ્લો છોડી જતા રહેવાનું રહેશે.
 આ જાહેરનામાની અમલવારી સુનિશ્ચિત કરવા છોટાઉદેપુર જિલ્લા પોલીસતંત્ર તથા જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને સાર્વજનિક સભાખંડો, હોટલ, રેસ્ટોરન્ટ, વીશી તા અતિથિગૃહોની ઘનિષ્ઠ તપાસણી કરવા તથા મતદાર વિસ્તારની હદમાં તપાસ નાકા ઉભા કરવા અને બહારથી આવેતા વાહનોનો અવર જવર પર દેખરેખ રાખી, ચૂંટણી પ્રચાર અર્થે બહારથી આવેલા લોકો મતદાર વિભાગમાં રોકાયેલા નહીં હોવાની ખાતરી કરવા માટે જણાવ્યું છે.
 આ આદેશ છોટાઉદેપુર જિલ્લો અથવા જિલ્લા મેજીસ્ટ્રેટ, છોટાઉદેપુરની હકુમતના સમગ્ર વિસ્તારમાં તા. ૦૩/૧૨/૨૦૨૨ થી ૦૫/૧૨/૨૦૨૨ (બંને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર, ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ સજા તથા દંડને પાત્ર થશે એમ જિલ્લા મેજીસ્ટ્રેટ, છોટાઉદેપુર તરફથી જણાવાયું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *