ભારતના ચૂંટણી પંચ, ન્યુ દિલ્હીની સૂચનાથી વિધાનસભા સામાન્ય ચૂંટણી-ર૦૨૨ માટે અગાઉ આપવામાં આવતી મતદાર ફોટો કાપલી (Photo Voter Slip)ની જગ્યાએ હવે પછી મતદાર માહિતી કાપલી (Voter Information Slip)નું વિતરણ કરવાનું નકકી થઇ આવેલ છે.જે સ્લિપની આગળની બાજુએ મતદારનું નામ, જાતિ, ચૂંટણી કાર્ડ નંબર, સબંધીનું નામ, મતદાન મથકનો ભાગ નંબર અને નામ, મતદારયાદીમાં ક્રમ નંબર, મતદાન મથકનું સરનામુ, મતદાનની તારીખ અને સમય વગેરે વિગતો દર્શાવેલ હશે. જયારે મતદાર માહિતી કાપલીની પાછળની બાજુએ મતદાન મથકનો ગુગલ મેપ અને મતદારો માટેની અગત્યની સૂચનાઓ દશાર્વેલી હશે.
આ અંગે મતદારો એ બાબતનું ધ્યાન રાખે કે મતદાર માહિતી કાપલીમાં મતદારનો ફોટો છાપેલો હશે નહીં અને તેનો માન્ય ઓળખ પુરાવા તરીકે ઉપયોગ કરી શકાશે નહીં.
મતદાન સમયે ચૂંટણી કાર્ડના વિકલ્પ તરીકે આ 12 પૈકી કોઈ એક દસ્તાવેજ સાથે રાખવો જરૂરી
મતદાન અર્થે મતદાન મથકે આવનારા તમામ મતદારોની ઓળખ પ્રસ્થાપિત થાય તે માટે મતદાર ફોટો ઓળખપત્ર (EPIC-ચૂંટણી કાર્ડ) અથવા ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવેલા નીચેના ૧૨ પૈકીના કોઈપણ દસ્તાવેજનો ઉપયોગ કરી શકાશે.જેમાં
૧. આધારકાર્ડ, ૨. મનરેગા જોબકાર્ડ, ૩.બેંક અથવા પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવેલા ફોટો સહિતની પાસબુક, ૪. શ્રમ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા હેલ્થ ઇન્સ્યુરન્સ સ્માર્ટ કાર્ડ, ૫. ડ્રાઇવિંગ લાયસન્સ, ૬.પાનકાર્ડ, ૭. એન.પી.આર. હેઠળ આર.જી.આઈ. દ્વારા આપવામાં આવેલા સ્માર્ટકાર્ડ, ૮. ભારતીય પાસપોર્ટ, ૯. ફોટો સાથેનો પેન્શન દસ્તાવેજ ૧૦. કેન્દ્ર સરકાર/રાજ્ય સરકાર/ જાહેરસાહસો/ પબ્લિક લિમિટેડ કંપનીઓના કર્મચારીઓને આપવામાં આવેલું ફોટો ધરાવતું ઓળખકાર્ડ, ૧૧. સંસદસભ્યશ્રી/ ધારાસભ્યશ્રી/ વિધાન પરિષદના સભ્યશ્રીને આપવામાં આવેલા અધિકૃત ઓળખકાર્ડ, ૧૨. યુનિક ડિસેબિલિટી આઈ.ડી. (UDID) કાર્ડ, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, ભારત સરકાર.
જામનગર જિલ્લામાં મતદાર માહિતી કાપલી (Voter Information Slip)ના વિતરણની કામગીરી તા.ર૧/૧૧/૨૦૨૨ થી શરૂ કરી તા.રપ/૧૧/૨૦૨૨ સુધી કરવામાં આવનાર છે. જેની જિલ્લાના તમામ મતદારોએ નોંધ લેવા અનુરોધ છે.ચૂંટણી કાર્ડ તેમજ મતદારયાદીને લગત તમામ માહિતીની નિયમિત જાણકારી મેળવવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી, જામનગરના ફેસબુક પેજ, ટવિટર એકાઉન્ટ અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ (DeoJamnagar) ને અવશ્ય ફોલો કરવા પણ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કલ્પના ગઢવી દ્વારા જણાવાયું છે.
