નડિયાદ
ખેડા જિલ્લામાં થોડા દિવસ અગાઉ કપડવંજ ખાતેથી ગાંજાની ખેતી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે પકડી પાડી હતી. આ બાદ નાર્કોટીસ કંટ્રોલ બ્યુરોની ટીમ હરકતમાં આવી છે અને મહેમદાવાદના ખાત્રજ ચોકડી પાસેથી પીકઅપ ડાલામા ખાલી કેરેટના નીચે સંતાડીને લઈ જવાતો પોશડોડાનો જથ્થો પકડી પાડયો છે. આ બનાવમાં ૨ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. મહેમદાવાદ તાલુકાના ખાત્રજ ચોકડી પાસે સર્કીટ હાઉસ નજીકથી પસાર થતી પીકઅપ ડાલા નંબર (એમપી ૧૩ જીએ ૫૭૯૬)ને શંકા જતાં વોચમા ઉભેલ એનસીબી (નાર્કોટીસ કંટ્રોલ બ્યુરો)ની ટીમે વાહનને અટકાવ્યું હતું. વાહનની પાછળની બાજુએ ખાલી કેરેટો હતાં. જે આઘાપાછા કરી તપાસ આદરતા પોલીસને પોશડોડાનો જથ્થો મળી આવ્યો હતો. જે બાદ આ ટીમે સ્થાનિક મહેમદાવાદ પોલીસ સ્ટેશન વાહનને લઈ ગયા હતા. અને ચાલક? સહિત અન્ય એકની પુછપરછ આદરી હતી. એનસીબીની ટીમે ૨૧૯ કિલો પોશડોડા તથા ગુનામાં વપરાયેલા વાહન કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે. સમગ્ર ઘટનાની તપાસ એનસીબીના અધિકારીઓ દ્વારા ચલાવવામાં આવી રહી છે.


