નડિયાદ
ખેડા જિલ્લામાં અકસ્માતોની વણથંભી રફ્તાર અટકવાનું નામ નથી લઈ રહી, ત્યારે એક નવ વર્ષની માસૂમનો વાહન અકસ્માતમાં જીવ ગયો છે. કુદરતી હાજતે ગયેલી ૯ વર્ષીય શ્રમજીવી પરિવારની બાળાને મહેમદાવાદના અરેરી પાસે ઈકોગાડી તથા બાઈકે ટક્કર મારતા તેણીનુ મોત થયું છે. આ બનાવ સંદર્ભે ફરાર થયેલા બન્ને વાહનચાલકો સામે શ્રમજીવી પરિવારના મોભીએ મહેમદાવાદ પોલીસમાં ફરિયાદ આપી છે. મૂળ વડોદરાના અને મજૂરી કામ અર્થે ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના અરેરી નગરીમાં સ્થાઈ થયેલા ૪૦ વર્ષીય મારવાડીને સંતાનમાં ચાર દિકરીઓ અને બે દિકરા છે. જેમાં ત્રીજા નંબરની ૯ વર્ષીય દિકરી પરીયા ના નવ વાગ્યાની આસપાસ ખાત્રજ ચોકડી મહુધા મેઇન રોડ ઉપર કુદરતી હાજતે જવા નીકળી હતી. તે વખતે પુરપાટે આવતી ઇકો ગાડીના ચાલકે રોડની સાઈડમાં ચાલતી જતી પરીયાને ટક્કર મારી હતી. આ બાદ આ કાર પાછળ આવતા બાઇકના ચાલકે પરીયાને ઉપર વાહન ચઢાવી દીધુ હતુ.? નજીક વસવાટ કરતો આ શ્રમજીવી પરિવાર તેઓના ઘરેથી દોડીને રોડ ઉપર આવી ગયેલા અને જાેયેલ તો ૯ વર્ષીય બાળાને માથાના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ થયેલ તથા બંને હાથ પગ તેમજ પેટના ભાગે પણ ગંભીર પ્રકારની ઇજાઓ થયેલ હતી. જેથી તેણીને સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે મહેમદાવાદ સરકારી દવાખાનામાં લઇ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના ડોક્ટરએ તપાસ કરતા પરીયાને મરણ જાહેર કરી હતી. ઉપરોક્ત બન્ને વાહનો અકસ્માત કરી ફરાર થયા હોવાથી આ અકસ્માત સંદર્ભે નટુભાઇ મોહનભાઇ મારવાડીએ મહેમદાવાદ પોલીસમાં બન્ને વાહન ચાલકો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે તેઓની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.