નડિયાદ
મહેમદાવાદ વિસ્તારમાંથી ચોરી કરતી ગેંગને પોલીસે ઝડપી લીધી છે. પોલીસે ચોરી કરતી ત્રિપુટીને ઝડપી પાડી હતી. આ પૈકી એક વ્યક્તિ ગીચ રહેઠાણ વાળા વિસ્તારમા મદદના સહાયના પોસ્ટરો લઇ ભીખ માંગવા લોકોના ઘરે જતો અને તે દરમિયાન નજર ચુકવી ચોરી કરવાની ટેવ ધરાવતો હોવાનું પર્દાફાશ થયો છે. જ્યારે અન્ય બે આરોપીઓ પણ વાહન ચોરી સહિત તસ્કરીમાં માહીર હોવાનો ગુનાહીત ઈતિહાસ ધરાવે છે. મહેમદાવાદ પોલીસ આ ત્રણેય આરોપીઓ પાસેથી ૧૪ ચોરીના મોબાઇલ, ૩ વાહનની બેટરી, ૧ સોલાર પેનલ તથા ૨ રેન્જર સાઈકલ ચોરી મળી કુલ ૧૭ ગુનાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે કુલ રૂપિયા ૧.૧૫ લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે. મહેમદાવાદ પોલીસનો સ્ટાફ શહેરમાં પેટ્રોલીંગમાં હતો. આ દરમિયાન શહેરના સાઈબાબા મંદિર પાસે મહેમદાવાદ ભમ્મરીયા કુવા તરફથી ખાત્રજ ચોક્ડી તરફ જતી એક રીક્ષા નંબર (જીજે-૨૩-એક્સ-૨૦૧૦)ને અટકાવી હતી. જેમા ચાલક સહિત ૩ લોકો હતા. જેઓના પોલીસે નામઠામ પુછતા આ ત્રણેય લોકોએ પોતાના નામ રાજુભાઇ ઉર્ફે વિનોદ પુનમભાઇ મારવાડી (રહે.મહેમદાવાદ કાચ્છઈ ફાટક પાસે ખાડામા છાપરા વિસ્તાર તા.મહેમદાવાદ જી.ખેડા), વિમલેશભાઇ ઉર્ફે ગોલુ પ્રેમકુમાર ઠાકોર (રહે.મહેમદાવાદ જી.ઇ.બી પાસે રેલ્વે સ્ટેશન પાછળ તા.મહેમદાવાદ જી.ખેડા) અને કમલેશભાઇ ઉર્ફે ટીંક પ્રેમકુમાર ઠાકોર (રહે.મહેમદાવાદ જી.ઇ.બી પાસે રેલ્વે સ્ટેશન પાછળ તા,મહેમદાવાદ જી.ખેડા) હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ ત્રણેય ઇસમો પાસેથી અલગ-અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ ૧૪, અલગ-અલગ કંપનીની નાની-મોટી બેટરી નંગ-૩, સોલાર પેનલ, બે રેન્જર સાઇકલો અને સી.એન.જી રિક્ષા સાથે કુલ રૂપિયા ૧ લાખ ૧૫ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે સી.આર.પી.સી, ૧૦૨ મુજબ તપાસ અર્થે કબ્જે કરી ત્રણેયની ધરપકડ કરી હતી અને વધુ પુછપરછ હાથ ધરતા ૧૭ જેટલા ચોરીના ગુનાનાને અંજામ આપ્યો હોવની કબૂલાત કરી હતી. મહત્વનુ છે કે, પોલીસની પુછપરછમાં આ રાજુભાઇ ઉર્ફે વિનોદે એવી કેફીયત કબુલી છે કે તે ગીચ રહેઠાણ વાળા વિસ્તારમા મદદના સહાયના પોસ્ટરો લઇ ભીખ માંગવા લોકોના ઘરે જતો અને તે દરમિયાન નજર ચુકવી ચોરી કરવાની ટેવ ધરાવતો હોવાનું પર્દાફાશ થયો છે. જ્યારે અન્ય બે આરોપીઓ પણ વાહન ચોરી સહિત તસ્કરીમા માહીર હોવાનો ગુનાહીત ઈતિહાસ ધરાવે છે. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.


