નડિયાદ
માતર પંથકના હાડેવા ગામે અગાઉ થયેલી બોલાચાલી તેમજ પોલીસ સ્ટેશનમાં અરજી આપવા બાબતે ભરવાડ અને પટેલ જ્ઞાતિ વચ્ચે તકરાર થઇ હતી આ બાબતની રીસ રાખી ૧૦ લોકોએ પિતા-પુત્ર ઉપર હુમલો કરી માર માર્યા છે. આ બનાવ સંદર્ભે લીંબાસી પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. માતર તાલુકાના હાડેવા ગામે રહેતા મહેશભાઈ રમણભાઈ પટેલ પોતાના દીકરા વિશાલ સાથે ગામની સીમમા તળાવ નજીક આવેલ પોતાના ખેતરમાં હતા. આ સમયે સામેની બાજુ આવેલ ખેતરમાંથી ભાણા હનુમાનભાઈ ભરવાડ લાકડી લઇ મહેશભાઈ પાસે આવ્યા હતા અને જણાવ્યું હતું કે, અગાઉ ઢોર ચારવા બાબતે મારી સાથે કેમ બોલાચાલી કરેલી ઉપરાંત આ બાબતે અમારા વિરુદ્ધ કેમ અરજી આપેલી હતી. જે બાબતની રીસ રાખી મહેશભાઈ તથા તેમના દીકરા વિશાલને ગમે તેમ બોલી અપશબ્દો બોલવા લાગ્યા હતા. મહેશભાઈએ અપશબ્દો બોલવાની ના પાડતા અને વાત શાંતિથી કરવા જણાવતાં તેઓનું ઉપરાણુ લઇ આવી અન્ય લોકોએ લાકડી તથા અન્ય હથિયારો સાથે મહેશભાઈ તથા તેમના દીકરા વિશાલને ગંભીર રીતે માર માર્યો હતો. જેથી ઘવાયેલા મહેશભાઈ આ બનાવ સંદર્ભે લીંબાસી પોલીસ મથકે ભાણા ભરવાડ સહિત ૧૦ લોકો સામે ફરિયાદ નોંધાવી છે.


