મને સરકારના આદિજાતિ વિકાસ વિભાગ હેઠળ કાર્યરત મદદનીશ કમિશ્નર આદિજાતિ વિકાસની કચેરીમાંથી મકાન સહાય યોજના હેઠળ મકાન સહાય મળવાથી મારા ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે એમ મોટીટોકરી ગામના લાભાર્થી મુકેશભાઇ રાઠવાએ જણાવ્યું હતું.
માણસ નાનો હોય કે મોટો હોય, અમીર હોય કે ગરીબ, ગામડાનો હોય કે શહેરનો હોય દરેકને પોતાનું માથું ઢાંકવા માટે છતની તો જરૂર પડતી જ હોય છે. સરકાર દ્વારા ગરીબ લોકોને છત મળી રહે એ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત જુદા જુદા વિભાગો દ્વારા પણ આવાસ યોજના અમલમાં મુકવામાં આવી છે.
આદિવાસીબહુલ વસતિ ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં આવેલી મદદનીશ કમિશ્નર આદિજાતિ વિકાસની કચેરીમાં જિલ્લાના આદિવાસી બાંધવોને પાકું મકાન મળે એ માટે આવાસ યોજના અમલમાં છે. આ યોજના અંતર્ગત આદિજાતિ સમાજના વ્યક્તિઓને પાકું ઘર બનાવવા માટે સહાય આપવામાં આવે છે.
મોટીટોકરી ગામના લાભાર્થી મુકેશભાઇ રાઠવાએ માહિતી ખાતા સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે, હું ખેતી કરીને મારૂં જીવન ગુજરાન ચલાઉં છું. પાકું મકાન બનાવવું એ મારા માટે સ્વપ્ન સમાન હતું. પરંતુ આદિજાતિ વિકાસ વિભાગ અંતર્ગત આવતી મદદનીશ કમિશ્નર આદિજાતિ વિકાસની કચેરીમાંથી મને મકાન બાંધકામ માટે સહાય મંજુર કરવામાં આવતા મારા ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે એમ જણાવ્યું હતું.
વધુમાં વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મારૂં કાચુ ઘર હતું ત્યારે ટાઢ તડકો વેઠવો પડતો હતો. ચોમાસાના ઋતુમાં પડતી મુશ્કેલીઓ અપાર હતી. ચોમાસા દરમિયાન છતમાંથી ઠેર ઠેર ટપકતા વરસાદને કારણે ઘરવખરીને તો નુકસાન થતું જ હતું પરંતુ ખાવા માટે સંગ્રહ કરેલા અનાજનો પણ બગાડ થતો હતો. આ ઉપરાંત શાળાએ જતા બાળકોના દફતર પણ પલળી જતા હતા.
મને મળેલી મકાન બાંધકામની સહાયથી હવે હું પાકા મકાનનો માલિક બની જઇશ. હાશ…. હવે મારી મુશ્કેલીઓનો અંત આવી જશે એમ તેમણે રાહતનો દમ લેતા જણાવ્યું હતું.
આરોગ્ય, શિક્ષણ, રહેણાંકના મકાનો સહિતની પ્રાથમિક જરૂરિયાતો છેવાડે વસતા અદના માણસને પણ મળી રહે એ માટે સૌની ચિંતા કરતી આ સરકાર સાચા અર્થમાં માઇ-બાપ છે એમ કહીએ તો અતિશયોક્તિ લેખાશે નહીં.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
Attachments area

