ભુજ
નખત્રાણા ખાતે પશ્ચિમ કચ્છ ઉંટ ઉછેર માલધારી સંગઠન, ઘેટાં બકરા માલધારી સંગઠન, નખત્રાણા, ગંગોણ, ખાંભલા, અને મથલ વન અધિકાર સમિતિ દ્વારા માલધારીઓની ચરિયાણ અંગેની જમીન ખુલ્લી કરાવવા અપીલ કરાઈ હતી. જેના પગલે દાવા ફાઈલો સાથે નખત્રાણા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. આ સંગઠનોની માંગ છે કે માલધારીઓ માટેનો વનઅધિકાર કાયદો ૨૦૦૬ અંતર્ગત બનાવવામાં આવેલો છે, જે દાવા ફાઇલ જરૂરી આધારો સાથે પ્રાંત અધિકારીને સંબોધીને રજૂ કરવામાં આવી હતી. માટે માલધારીઓને ઝડપી ન્યાય મળે તેવું આવેદનપત્રમાં દર્શાવવામાં આવ્યું છે. હાલમાં ચરિયાણ અંગેનો પ્રશ્ન ખૂબજ વિકટ બન્યો છે, અને વગડામાં ચરિયાણ એ માલધારીઓની આજીવિકા માટેનું એકમાત્ર વિકલ્પ છે. જેના માટે તેમને તેમના ચરિયાણ અંગેના હકો મળવા જાેઈએ તેવી માંગ સાથે માલધારીઓએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. આ વેળાએ પશ્ચિમ કચ્છ ઉંટ ઉછેરક માલધારી સંગઠન તેમજ ઘેટાં-બકરાં માલધારી સંગઠન સાથે રહ્યું હતું. તેમજ ખાંભલા, મથલ અને ગંગોણ ગામની વન અધિકાર સમિતિના સભ્યો હાજર રહ્યા હતા. જેમાં ગંગોણ વન અધિકાર સમિતિના પ્રમુખ હીરાભાઈ રબારી, ખેતાભાઇ રબારી અને ખાંભલા વન અધિકાર સમિતિના પ્રમુખ વિરમભાઇ રબારી જખુભાઈ રબારી, મથલ વન અધિકાર સમિતિના પ્રમુખ કાસમભાઈ પીંજારા અને ભારાભાઇ રબારી ઉપસ્થિત રહ્યા હતા. માલધારીઓના હક્ક માટે રજૂઆત કરી હોવાનું લખન દેસાઈએ જણાવ્યું હતું.
