રાજકોટ
રાજકોટના ગોકુલનગર આવાસ યોજના જે પ્લોટ પર બની છે તે ટીપી સ્કીમ નં.૭નો પ્લોટ નંબર ૧૪૮ છે. આ પ્લોટની એક તરફ પૂર્વ કોર્પોરેટર ગેલા રબારી અને સજુબેન રબારીનું ઘર છે. પતિ-પત્ની વારાફરતી એક એક ટર્મ નગરસેવક રહી ચૂક્યા છે અને જ્યારે આવાસ યોજનાનું કામ ચાલતું હતું ત્યારે ગેલા રબારી કોર્પોરેટર હતા. આ પ્લોટમાં જ્યાં ગેલા રબારીનું ઘર છે ત્યાં આવાસ યોજનાની કમ્પાઉન્ડ વોલ બનાવાઈ નથી. અને માપણી થતા કૌભાંડ બહાર આવ્યું હતું કે, ગેલા રબારીના ઘરના પગથિયાં જ આવાસના પ્લોટની હદમાં છે અને દરવાજાે બંધ ન થાય તે માટે તેટલી જગ્યામાં દીવાલ બનતી અટકાવી દેવાઈ હતી. તેમનું ઘર પૂરું થાય એટલે ફરીથી દીવાલ બનાવાઈ હતી પણ તે પ્લોટની બાઉન્ડરીને બદલે તેનાથી ૫ મીટર જેટલી અંદર બનાવાઈ હતી. આ રીતે ગેલા રબારીના ઘર પાસે ૪૦૦ વાર જેટલી જગ્યા આંગણા તરીકે આપી દીધી હતી આ દીવાલ બનાવવાનું કામ પણ આવાસ યોજનાના સિટી ઈજનેર અલ્પના મિત્રાની ટેક્નિકલ ટીમે જ કહ્યું હતું. આ માપણીમાં લાલ રેખા આવાસના પ્લોટની હદ છે જ્યારે વાદળી રેખા કમ્પાઉન્ડ વોલ છે. ત્રણેય તરફ જેટલી હદ છે ત્યાં સાથે સાથે જ કમ્પાઉન્ડ વોલ છે પણ જેવું ગેલા રબારીનું ઘર આવે છે એટલે ત્યાં ઝાડ પાસે જ દીવાલ અટકી જાય છે અને ત્યાં ગેટ મૂકી દેવાયો છે. ત્યારબાદ ગેલા રબારીના ઘર અને તેની બાજુની દુકાનને ફળિયા તરીકે આવાસ યોજનાનો પ્લોટ મળી જાય છે. ગેલા રબારીનું ઘર પૂરું થાય એટલે ફરી દીવાલ બનાવાઈ છે પણ તે લાલ રેખા એટલે કે પ્લોટની હદથી ક્યાંક ૪ તો ક્યાંક ૫ મીટર જેટલી જગ્યા છોડી બનાવી દેવાઈ છે. પ્લોટના રિ-સરવે બાદ જે પરિણામ આવ્યા તેમા દીવાલ ન બનાવવા પાછળ તેમજ જ્યાં દીવાલ બની છે ત્યાં જગ્યા છોડવા મુદ્દે સિટી ઈજનેર અલ્પના મિત્રાએ કહ્યું હતું કે, તેમની ટીમે નિયમ મુજબ બધી તરફ દીવાલ બનાવી છે. ટી.પી. શાખાએ પણ માપ લઈને નકશો જાેઈને કમ્પ્લીશન આપ્યું છે આવાસ સોંપાયા હતા તેથી ત્યારબાદ શું બન્યું હોય તે ખબર નથી. જ્યારે ગેલા રબારીએ કહ્યું હતું કે, આ દીવાલ તેમના ઘરના દરવાજા સુધી આવતી હતી તેથી રસ્તો જ ન રહે તેથી કમિશનર અને પદાધિકારીઓની સ્થળ વિઝિટ કરાવી રજૂઆત કરી હતી કે દીવાલ ન બનાવાય પછી ફાઈલ પર આ ર્નિણય લીધો છે કે નહિ તે ખબર નહીં. ગોકુલનગરમાં થયેલા કૌભાંડને લઈને ૩ તપાસ ચાલે છે જેમાં ઝડપથી કાર્યવાહી થશે તેવું કમિશનર અમિત અરોરા, નાયબ કમિશનર આશિષ કુમાર તેમજ મેયર પ્રદીપ ડવ કહી ચૂક્યા છે પણ ઝડપ આવી નથી. ત્યાં વધુ એક ભોપાળું કમ્પાઉન્ડ વોલના રૂપમાં નીકળ્યું છે તેની પણ તપાસ અપાશે તે પહેલા અગત્યનું એ છે કે મનપાની જગ્યામાંથી દબાણ દૂર કરવું જરૂરી છે. દબાણ દૂર કરવાની જવાબદારી ટી.પી. અને આવાસ સેલ બંનેની આવે છે અને હોકી લઈને દબાણ હટાવવા નીકળતા નાયબ મ્યુનિ. કમિશનર એ. આર. સિંઘ આ દબાણ દૂર કરવાની હિંમત કરવી જાેઈએ ત્યારબાદ કારણ બહાર લાવવું કે શા માટે દીવાલ થઈ ન હતી.રાજકોટના ઉપલા કાંઠે સંતકબીર રોડ પર આવેલી ગોકુલનગર આવાસ યોજનામાં ગેરકાયદે ફ્લેટના તાળાં તોડી ભાડે આપવા, ખોટા લાભાર્થીઓને ફાળવણી તેમજ અધિકારીઓને જ્ઞાતિવાદ કરીને નિયમ વિરુદ્ધ કરેલા ડ્રો બાદ હવે આવાસની જમીન જ મફતમાં પધરાવી દેવાનું બહાર આવ્યું છે.
