Gujarat

રાજકોટના ટ્રેક્ટર ચોકમાં યુવાનને છરી બતાવી રોકડ ભરેલો થેલો ઝુંટવીને લૂંટારુ થયો ફરાર

રાજકોટ
રાજકોટ શહેરના કેવડાવાડી શેરી નં-૨માં રહેતા કમલેશભાઈ ભીખુભાઈ મિયાત્રા (ઉ.વ.૩૯) ને બે દિવસ પહેલા મધરાત્રે ટ્રેકટર ચોકમાં એક લૂંટારુએ છરી બતાવી, ડરાવી, ધમકાવી રૂ.૧૦ હજારની કિંમતની આયુર્વેદિક દવાઓ અને રૂ. ૧૨ હજાર રોકડા મળી કુલ રૂ.૨૨ હજારના મુદ્દામાલની લુંટ ચલાવી હતી. જાે કે લુંટ ચલાવનાર લૂંટારુને ક્રાઈમ બ્રાન્ચે ગણતરીની કલાકાઓમાં સકંજામાં લીધો હોવાનું સામે આવ્યું છે. જેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ ચાલુ છે. મુળ ભેંસાણના રફાળીયા ગામના વતની કમલેશભાઈ આયુર્વેદિક દવાઓ વેંચે છે. ગઈ તા.૧૬ ના રોજ રાજુલામાં લુહાર-સુથાર જ્ઞાતિની વાડીમાં આયોજીત ધાર્મિક પ્રસંગમાં દવાઓ વેંચવા ગયા હતા. જયાંથી રાત્રે એસટી બસમાં રાજકોટ આવવા નિકળ્યા હતા. એસટી બસ આટકોટથી જસદણ જતી હોવાથી આટકોટ સુધીની ટીકીટ લઈ ત્યાં ઉતરી છોટા હાથીમાં રાજકોટ આવ્યા હતા. આજી ડેમ ચોકડી પાસે રાત્રે ઉતરી રીક્ષામાં ચુનારાવાડ ચોક પહોંચ્યા હતા. જયાંથી ઉતરી પગપાળા રવાના થયા હતા ત્યારે ટ્રેકટર ચોકમાં પહોંચતા રોડની સાઈડમાં ઉભેલી રેકડી પર બેઠેલો એક શખ્સ તેની પાસે ધસી આવ્યો હતો અને અત્યારે કયાંથી આવે છે તેવા સવાલો પુછી હાથમાં રહેલા આયુર્વેદિક દવા અને રોકડ ભરેલો થેલો ઝુંટવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં નિષ્ફળતા મળતા ઢીંકા પાટુનો માર મારવાનું શરૂ કર્યું હતું. એટલુ જ નહી લૂંટારુએ નેફામાંથી છરી કાઢી સામે ઉગાવી બંને થેલા ઝુંટવી ભાગી ગયો હતો. ત્યારબાદ કમલેશભાઈએ ઘરે જઈ પરીવારના સભ્યોને બનાવ અંગે જાણ કરી હતી. ગભરાઈ ગયા હોવાથી તત્કાળ ફરિયાદ કરી શકયા ન હતા. પરીવારના સભ્યોએ હિંમત આપતા ગઈકાલે રાત્રે થોરાળા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે સાથે જ થોરાળા પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં જાેડાઈ હતી. આખરે લૂંટ કરનાર લૂંટારુને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. જે અગાઉ પણ પોલીસ ચોપડે ચડી ચુકયો હોવાનું અને થોડા સમય પહેલા જ જેલમાંથી બહાર આવ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે અન્ય વધુ કોઈ ગુનામાં સંડોવણી છે કે કેમ સહિતના મુદ્દે તપાસ કરવા તેમજ લૂંટના ગુનામાં ધરપકડ કરવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

File-01-Page-26.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *