રાજકોટ
રાજકોટ તાલુકાના માલિયાસણ ગામે છેલ્લા ૨૩ દિવસથી બે વર્ષની પુત્રી સાથે માવતરે રહેતી પરિણીતાએ ગીર સોમનાથના ભોજદે ગામે રહેતા પતિ તોસીફ તમસીભાઇ લાંઘા સામે રાજકોટના મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ અંગે પોલીસ ફરિયાદમાં પરિણીતાએ જણાવ્યું હતું કે, તેના લગ્ન તા.૧૩-૮-૨૦૧૯ના રોજ તોસીફ સાથે ભોજદે ગામે થયા હતા. એક વર્ષ બાદ પુત્રીના જન્મ પછી પતિ દારૂ પીને ઘરે આવી પોતાની સાથે યેનકેન પ્રકારે ઝઘડો કરી મારકૂટ કરતો હતો. દરમિયાન પતિ ભાગીદારીમાં રિસોર્ટ ચલાવતા હોય અને તેમાં દારૂનો વેપલો ચલાવતો હતો. તેમજ પતિ અન્ય મહિલાઓ સાથે હરતા ફરતા રહેતા હોય આવી પ્રવૃત્તિઓથી દૂર રહેવા સમજાવતી હતી, પરંતુ પતિ તોસીફ સમજવાને બદલે પોતાને ગાળો ભાંડી ઝઘડો કરતા હતા. વધુમાં પરિણીતાએ જણાવ્યું હતું કે, આ વાત સાસુને કહેતા તે પણ પતિનું ઉપરાણું લેતા હતા. અને કરિયાવર મુદ્દે મારકૂટ કરી મેણાં મારી પિયરથી અવારનવાર પૈસા લઇ આવવા દબાણ કરતા હતા. એક-બે વખત પૈસા મગાવ્યા પણ હતા. પિતા મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હોવા છતાં તેમના નામની જમીન વેચાઇ એટલે રાજીખુશીથી પૈસા આપવાની વાત કરી હતી. જે વાતથી પતિ અવારનવાર પૈસા લઇ આવવા ત્રાસ આપતા હતા. ભાગીદારીમાં રિસોર્ટની સાથે પતિ દારૂ પણ વેચતા હોય બે વખત પોતે રિસામણે પણ આવી ગઇ હતી, પરંતુ સાસુ-સસરા સમાધાન કરી પોતાને ફરી સાસરે લઇ જતા હતા. અને પોતે પણ પુત્રીના ભવિષ્યને ધ્યાને રાખી વાંધો ઉઠાવ્યા વગર સાસરે જતી રહેતી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગત તા.૧૫ ઓક્ટોબરના રોજ પતિ તોસીફે પોતે છોટાઉદેપુર જતો હોવાનું કહેતા તેના કપડાં બેગમાં ભરીને આપ્યા હતા. બે ત્રણ દિવસ પછી પણ પતિનો કોઇ ફોન નહિ આવતા સંપર્ક કર્યો હતો, પરંતુ તેમનો મોબાઇલ બંધ આવતો હોય પતિના મિત્રોની પૂછપરછ કરતા પતિ તોસીફ કોઇ મહિલાને લઇ ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. થોડા દિવસ બાદ પતિનો ફોન લાગતા દીકરી ખાતર પાછા આવી જવા કહ્યું હતું. ત્યારે પતિએ ‘મારે એને મૂકવી હોય તો થોડી ભગાડી જાઉ, મારે તેને રાખવાની છે. તારે સાથે રહેવું હોય તો રહે.’ જેથી પોતે સાથે રાખવાની ના પાડતા મને તલાક આપવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઇ છે.
