ડીસા
રાજસ્થાન થી ગુજરાતમાં સીએનજી રીક્ષામાં દારૂની હેરાફેરી થતી હોવાની ઘટના સામે આવી છે. જેમાં ડીસા તાલુકા પોલીસે રીક્ષા ચાલકની અટકાયત કરી હતી. જ્યારે દારૂ અને રિક્ષા સહિત કુલ ૧.૨૮ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ડીસા તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે સમયે દારૂ ભરીને એક સીએનજી રીક્ષા રાજસ્થાનથી નીકળી હોવાની માહિતી મળી હતી. જેથી ડીસા તાલુકા પોલીસે કંસારી ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન ધાનેરા તરફથી આવી રહેલી એક શંકાસ્પદ રીક્ષાને થોભાવી તલાસી લેતા તેમાંથી દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂ અને રિક્ષા સહિત ૧.૨૮ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે મૂળ ડીસાનો રહેવાસી અને અત્યારે રાજસ્થાનના રાણીવાડા ખાતે રહેતા રીક્ષા ચાલક વિક્રમ ઠાકોરની અટકાયત કરી હતી. જેની પ્રાથમિક પૂછપરછ કરતા રાણીવાડાના મુકેશ ઠાકોર પાસેથી રિક્ષામાં દારૂ ભરીને અમદાવાદમાં મેમકો ખાતે રહેતા દિલીપ ઠાકોરને ડિલિવરી કરવા જઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી ડીસા તાલુકા પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


