પાટણ
પાટણ જિલ્લાના રાધનપુર અને સાંતલપુર તાલુકાના અંતરીયાળ ગામોમાં છેલ્લા ઘણા સમયથી ગ્રામિણ લોકો દ્વારા ગેરકાયદેસર રીતે વીજળીની ચોરી કરાતી હોવાની ઉત્તર ગુજરાત વીજ કંપનીને માહિતી મળી હતી. જે માહિતી આધારે સાંતલપુરના ગામડાઓ બાદ રાધનપુરના ગામડાઓમાં ઉત્તર ગુજરાત વીજ કંપનીના પાલનપુર, ડીસા, સિદ્ધપુર અને રાધનપુરના જવાબદાર કર્મચારીઓ દ્વારા આજે વહેલી પરોઢે રાધનપુર તાલુકાના મોટી પીપળી, નાનીપીંપળી, અરજણસર, ઉંદરગઢા, છાણીયાથર, વડનગર અને સરકારપુરા ગામે ઓચિંતું વીજ ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં કુલ ૪૬ લોકો મીટરમાં ગેરકાયદેસર આંકડી તથા મેઈન લાઈનમાં આંકડી મારી વીજ ચોરી કરતા રંગે હાથે ઝડપાયા હતા. જેમને રૂ. ૨ લાખ સુધીનો દંડ આપવાની કાર્યવાહી કરાઈ હતી તેમજ તેમના મીટર અને વીજ વાયરો જપ્ત કરી લેવામાં આવ્યા હતા. આ બાબતે રાધનપુર યુ.જી.વી.સી.એલના નાયબ ઈજનેર ડી.એ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, યુજીવીસીએલની ૧૧ ટીમો સહિત બોર્ડર વિંગના જવાનો તેમજ પોલીસને સાથે રાખી રાધનપુરના ગામોમાં વીજ ચેંકીગ હાથ ધરાયું હતું. જેમાં ૪૬ બોગસ કનેક્શનો ઝડપી ૨.૨૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઉપરાંત તેમના વીજ વાયરો અને મીટર જપ્ત કરવામાં આવ્યાં છે.રાધનપુર તાલુકામાં ઉત્તર ગુજરાત વીજ કંપનીએ અલગ અલગ ૧૧ ટીમ બનાવી ગેરકાયદેસર વીજ જાેડાણ કરી વીજળીની ચોરી કરનાર લોકોને ત્યાં અચિંતી તપાસ હાથ ધરી ૪૬ જેટલા ગેરકાયદેસર વીજ કનેક્શનો પકડી પાડ્યા હતા. તેમજ તેમને રૂ. ૨ લાખ કરતા વધારે દંડ ફટકારાયો હતો.


