અમદાવાદ
ખંભાત શહેરના શક્કરપુર વિસ્તાર સ્થિત રામજી મંદિર ખાતેથી રામનવમી નિમિત્તે પગપાળા ડીજે સાથે શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રામાં ત્રણ હજારથી વધુ ભક્તજનો જાેડાયા હતા. શોભાયાત્રા એ પછી ત્રણ દરવાજા, ચિતારી બજાર, પીઠ બજાર, મંડાઈ ચોકી વિસ્તારમાંથી પસાર થવાની હતી. જાેકે, શક્કરપુર વિસ્તારથી નીકળીને યાત્રા થોડે જ દૂર પહોંચી, એ સાથે જ બાવળના ખેતરો અને અવાવરૂ જગ્યાએથી અચાનક કેટલાંક તોફાની ટોળાંએ શોભાયાત્રા પર પથ્થરમારો શરૂ કર્યો હતો. જેને પગલે શોભાયાત્રામાં જાેડાયેલા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. જાેતજાેતામાં બંને ટોળાંએ સામ-સામે પથ્થરમારો શરૂ કર્યો હતો. એક તરફ કેટલાંક તોફાની ટોળાં શહેરના ચગડોળ ગ્રાઉન્ડ અને સરદાર ટાવર પાસે આવી પહોંચ્યા હતા અને તેમણે તોડફોડ અને આગચંપી કરી હતી. વિસ્તારમાં બે ચપ્પલની લારીઓ અને બે દુકાનમાં આગચંપી કરી તોડફોડ કરી હતી. એ જ રીતે રજપુત વાડાના નાકે આવેલા એક ઘરને પણ સળગાવ્યું હતું. સમગ્ર બનાવની જાણ થતાં જ આણંદ જિલ્લા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને સ્થિતિને કાબુમાં લેવા પ્રયાસ કર્યો હતો. જાેકે, સ્થિતિ તંગ રહેતાં અને ટોળાં કાબુમાં ન આવતાં પોલીસે પાંચ ટીયરગેસના શેલ છોડ્યા હતા. સમગ્ર બનાવમાં સામ-સામે પથ્થરમારો થતાં પાંચથી વધુ પોલીસ જવાનો સહિત પંદરથી વધુ લોકોને નાની-મોટી ઈજા પહોંચી હતી. જેમાં ખંભાતના કનૈયાલાલ રાણા નામના એક આધેડનું મોત નીપજ્યું હતું. ઉશ્કેરાયેલાં ટોળાંને વિખેરવા માટે પોલીસે રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરીને ધરપકડની કાર્યવાહી હાથ ધરી હતી. જેને પગલે આખરે મામલો થાળે પડ્યો હતો.આણંદ જિલ્લાના સંવેદનશીલ તાલુકા ખંભાતમાં રામનવમી નિમિત્તે યોજાયેલી શોભાયાત્રા પર અજાણ્યા શખસોએ પથ્થરમારો કર્યો હતો. બંને ટોળાંમાંથી સામ-સામો પથ્થરમારો થતાં અને કેટલાંક તોફાની તત્વોએ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં બે દુકાન અને બે ચપ્પલની લારી, એક મકાનમાં આગચંપી, તોડફોડ કરતાં સમગ્ર શહેરમાં તંગદિલી વ્યાપી ગઈ હતી. બનાવને પગલે જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને ટોળાંને કાબુમાં લેવા પાંચ ટીયરગેસના શેલ છોડ્યા હતા. સમગ્ર બનાવમાં પોલીસ જવાનો સહિત પંદરથી વધુ લોકોને ઈજા પહોંચી હતી, જ્યારે એકનું મોત નીપજ્યું હતું. આ હિંસામાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન કનેક્શનની પણ તપાસ કરવામાં આવી રહી છે. ખંભાતમાં હિંસા સમયે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના કેટલાક સોશિયલ મીડિયા હેન્ડલ સક્રિય હતા. જેના સ્ક્રિનશોટ પણ વાયરલ થયા છે. જેથી પોલીસ પણ આ દિશામાં તપાસ કરી રહી છે. આ મામલે પોલીસના જણાવ્યા પ્રમાણે, રામનવમીની શોભાયાત્રાની મંજૂરી મળ્યા બાદ જ હિંસા ફેલાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ હિંસામાં ૩ મૌલવી અને અન્ય બે શખ્સોએ આ ષડયંત્ર ઘડ્યું હતું. આ ષડયંત્રને પાર પાડવા માટે બહારથી લોકોને બોલાવવામાં આવ્યા હતા.
