વડોદરા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણ દરમિયાન વડોદરા શહેરને ખુબ યાદ કર્યું હતું. મોદીએ ભાષણમાં સંઘથી લઇને વડોદરાના સાંસદ બનવા સુધીની યાદોને તાજી કરી હતી. આ દરમિયાન પોતાના જૂના મિત્રોને યાદ કરીને મોદી ભાવુક થઈ ગયા હતા અને ૫ સેકન્ડ સધી કંઇ બોલી પણ શક્યા નહોતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાષણમાં જણાવ્યું હતું કે, જ્યારે હું બધાની વચ્ચેથી નીકળી રહ્યો હતો, ત્યારે મને આજે સેકડો ચહેરાને પણ પ્રમાણ કરવાનો મોકો મળ્યો, જેમની સાથે મને કેટલાય વર્ષો સુધી કામ કરવાનો મોકો મળ્યો હતો. કેટલાક વરિષ્ઠ કાર્યકર્તાઓ પણ મને દેખાયા, જેમની આંગળી પકડીને હું ક્યારેક ચાલ્યો હતો. અનેક માતાઓ એવી મળી જેમને શિશ ઝુકાવીને પ્રણામ કર્યાં, ક્યારેયને ક્યારેક તેમના હાથથી રોટલી ખાવાનું સૌભાગ્ય મળ્યું હતું. મારા માટે આવા સેકડો લોકોના દર્શન કરવા તેમના આશિર્વાદ લેવા તે મારા મારા ધન્ય ભાગ્ય હતા. તેના માટે સરકાર, ભુપેન્દ્રભાઇ અને તમારો હ્રદયથી આભાર માનુ છું. પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે, વડોદરા સંસ્કારની નગરી છે. આ શહેર તમામ લોકોને તક આપે છે. સુખ-દુખમાં સાથ આપે છે અને આગળ વધવાનો અવસર આપે છે. આ શહેરે ક્યારેક મને પણ સાચવ્યો હતો. મારું પણ લાલનપાલન કર્યું હતું. આ નગર પ્રેરણાનું નગર છે. સ્વામી વિવેકાનંદ, મહર્ષિ અરવિંદ, વિનોદ ભાવે, બાબા સાહેબ આંબેડકરને પણ આ નગરીએ પ્રેરિત કર્યાં છે. દિલારામ બંગલોને રામકૃષ્ણ મિશનને સોંપવાનો મોકો પણ મને મળ્યો હતો. મોદીએ કહ્યું હતું કે, વડોદરા આવો એટલે બધું જૂનું આવે જ ભાઈ, વડોદરાએ મને જાણે એક બાળકને મા સાચવે એ રીતે સાચવ્યો છે. મારી વિકાસયાત્રામાં વડોદરાનું મારા જીવનમાં યોગદાન ક્યારેય ન ભૂલી શકું આપણું ગાંધી નગરગૃહ, અમારી જૂની શાસ્ત્રીપોળ, અમારો ખરચીગરનો ખાંચો, મારુ રાવપુરા, આરાધના સિનેમા પાસેનું પંચમુખી હનુમાન, કેટકેટલી યાદો અને આ જગ્યાઓ પણ યાદ છે. પંચમહાલ, કાલોલ, છોટાઉદેપુર, ડભોઇ, પાદરા જેવી ગણ્યા ગણાય નહીં એટલી યાદો છે. વડોદરા આવે અને લીલો ચેવડો અને ભાખરવડી કેમ ભુલાય. પણ મળે કોઇ મળી જાય તો લીલો ચેવડો અને ભાખરવડીને યાદ કરે જ છે. ૨૦૧૪માં જીવનમાં પહેલીવાર લોકસભા ચૂંટણી લડી રહ્યો હતો ત્યારે વડોદરાના નવનાથ અને કાશી વિશ્વનાથ મંદિરમાં મને આશીર્વાદ મળ્યા હતા. તેનાથી મોટુ સૌભાગ્યા શું હોઇ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વડોદરા સાથે ખુબ જૂનો નાતો રહ્યો છે. વડોદરાની શાસ્ત્રી પોળમાં આવેલા સંઘના કાર્યલય સાથે મોદીને ખુબ જ લગાવ છે. મોદી ૧૯૭૫થી ૧૯૮૦ દરમિયાન આ સંઘ કાર્યાલયમાં રહ્યા હતા. તે સમયે તેઓ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ માં પ્રચારક હતા. આ કાર્યાલય આજે પણ હયાત છે. મોદીએ વર્ષ ૨૦૧૪માં લોકસભાની ચૂંટણીમાં વડોદરા અને વારાણસી એમ બંને જગ્યાએથી ઉમેદવારી કરી હતી અને બંને સીટ પર જંગી બહુમતીથી જીત્યાં હતા. વડાપ્રધાન બન્યા બાદ પણ ગત ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર માટે તેઓ વડોદરા આવ્યા ત્યારે તેમણે ભાષણની શરૂઆતમાં જ શાસ્ત્રીજીની પોળને યાદ કરી લોકોને કહ્યું હતું કે, તમે ત્યાં જાવ છો કે નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પણ શાસ્ત્રી પોળને યાદ કરીને ફરી સંઘ કાર્યાલયની યાદો તાજી કરી હતી.


