વડોદરા
અસ્થમા સહિતના વિવિધ રોગોના પ્રભાવથી ફેફ્સાં કેટલાં નબળાં પડ્યા છે તેની ચકાસણી તબીબી વિજ્ઞાનમાં ખૂબ અગત્યની ગણાય છે અને આ ક્ષમતાના આધારે દર્દીની સારવાર નિર્ધારિત કરવામાં આવે છે. તેના માટે પલ્મોનરી ફંકશન ટેસ્ટ કરવામાં આવે છે. સયાજી હોસ્પિટલના ડો.પ્રશાંત રાજદિપે આ ટેસ્ટની પ્રક્રિયાને ઊંડાણ પૂર્વક સમજીને સાયકલના સ્પોક જેવી સાવ સાધારણ સામગ્રીનો ઉપયોગ કરીને અનોખું કહી શકાય તેવું પી.એફ.ટી. ઇન્ડક્ષન જેકેટ વિકસાવ્યું છે. જે આ ટેસ્ટ દરમિયાન ઊંડા શ્વાસ- ઉચ્છવાસ લેવામાં દર્દીઓના પ્રયત્નો અને પરિશ્રમને સારા એવા પ્રમાણમાં ઘટાડી આ ટેસ્ટને વધુ સચોટ બનાવશે. ભારત સરકારે આ નવ વિકસિત પ્રાથમિક ઉપકરણની અસરકારકતાનું મૂલ્યાંકન કરીને તેને પેટન્ટ પ્રદાન કરી છે. જેના પગલે તેના વાણિજ્યિક ઉત્પાદનની સંભાવનાના દ્વાર ખુલ્યા છે. ૨૦૧૪થી આ ઉપકરણને વિકસાવવાના પ્રયત્નો મેં પ્રિન્સિપાલ ઇન્વેસ્ટીગેટર તરીકે હાથ ધર્યા હતા તેવી જાણકારી આપતાં ડો.પ્રશાંતે કહ્યું કે ૩૦ જેટલા વોલંટીયર્સ પર પરીક્ષણ કરીને આ ડિવાઇસની ઉપયોગિતા અને અસરકારકતા ચકાસી હતી. તેમણે તબીબી અભ્યાસના શોધ પ્રબંધના રૂપમાં આ તબીબી ઉપકરણનો વિચાર રજૂ કર્યો હતો. તેના પ્રોત્સાહક પરિણામો જાેઈને આરોગ્ય અને તબીબી શિક્ષણ વિભાગની સ્ટેટ મેડિકલ રિસર્ચ કમિટી સમક્ષ આ પ્રોજેક્ટ મૂક્યો. સમિતિએ આ પ્રોજેક્ટની વાયેબીલિટી ચકાસીને વધુ સંશોધન અને વિકાસ માટે ફંડ આપ્યું છે. તેમાં સફળતા પછી ભારત સરકારની સંસ્થાને અરજી કરી હતી. જેના અનુસંધાને આ પેટન્ટ મળી છે. આ ઉપકરણ દર્દીઓનો પરિશ્રમ અને તેમના પ્રયત્નો ઘટાડશે. તેની સાથે તબીબોએ પ્રત્યેક ટેસ્ટ માટે ફાળવવા પડતા સમય અને શક્તિની બચત શક્ય બનાવશે. આમ, આ ઉપકરણ દર્દી અને તબીબો બંને માટે મૈત્રીભર્યું છે એમ તેમણે ઉમેર્યું હતું. આ ટેસ્ટ દરમિયાન ફેફસાની ક્ષમતા ચકાસવા દર્દીએ પહેલા બે ત્રણ હળવા અને પછી એક વાર ઊંડો શ્વાસ લેવાનો અને મહત્તમ પ્રયાસ થી છોડવાનો હોય છે.હાલની પદ્ધતિમાં દર્દી આ પ્રક્રિયા યોગ્ય રીતે સમજીના શકતા વારંવાર પ્રયત્નો કરવા પડે છે. તેના ઉકેલ રૂપે આ ત્રણ સ્તરનું જેકેટ ૧૦ ડિગ્રી તાપમાન ધરાવતું ઠંડુ પાણી અને હવાનું દબાણ વિવિધ સ્તરોમાં સર્જીને બનાવવામાં આવ્યું છે. તેના શરીરને સ્પર્શતા સ્તરમાં ૧૦ ડિગ્રી તાપમાન ધરાવતું ઠંડુ પાણી ભરેલું હોવાથી, તેના સ્પર્શથી સર્જાતી શોક ઇફેક્ટથી દર્દીઓ આપોઆપ ઊંડો શ્વાસ લે છે. અને બીજા સ્તરમાં રહેલા હવાના દબાણથી ઊંડો ઉચ્છવાસ સરળતાથી છોડે છે. તેના લીધે સચોટ ચકાસણી શક્ય બને છે. સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.રંજન કૃષ્ણ ઐયરે ડો.પ્રશાંતની આ દર્દી સહાયક સિદ્ધિને બિરદાવીને, તેમના વિભાગ અને સયાજી હોસ્પિટલનું ગૌરવ વધારવા માટે અભિનંદન આપ્યાં છે. શ્રેષ્ઠ સારવારની સાથે આ પ્રકારના સંશોધન ના અભિગમ થી મધ્ય ગુજરાતની આ સૌ થી મોટી સરકારી હોસ્પિટલની યશ કલગીમાં એક પીંછુ ડો.પ્રશાંતે ઉમેર્યું છે.